હાલમાં વડોદરા શહેરના નૂર્મ આવાસ યોજના કિશનવાડી બ્લોક નંબર 45 ઘર નંબર 22માં રહેતી સેજલ જગદીશભાઈ માછીના લગ્ન 2011માં ડભોઇ તાલુકાના યાત્રાધામ કરનાળી ખાતે ભૂપેન્દ્ર નારણભાઈ માછી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઝઘડો અને વારંવારનો ઘર કંકાસ પરાકાષ્ઠાએ પહોંચતા પતિ ભૂપેન્દ્ર માછીએ પત્ની સેજલને હેરાનગતિ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા માર્ચ 2021માં પત્નીએ ઈપીકો 506(2) મુજબનો ગુનો દાખલ કરાવ્યો હતો, જે કેસ હાલ કોર્ટમાં ચાલે છે.
જેથી ડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં કોર્ટમાં બેંકનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું હોય સેજલ માતા કોકીલાબેન સાથે ગતરોજ ચાંદોદની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બ્રાન્ચ ખાતે આવ્યા હતા. દરમિયાન ભૂપેન્દ્ર માછી અને મિત્ર મિતેશ હરેશભાઈ પ્રજાપતિ કાર લઈને એકાએક ત્યાં આવી ચડ્યો હતો અને બેંક બહાર પત્ની સેજલ તેમજ તેની માતા સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી ઝપાઝપી અને મારામારી પર ઉતરી આવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હાજર નગરજનોની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો. પરંતુ આ બનાવમાં સેજલ અને માતા કોકીલાબેનને ઇજાઓ પહોંચતા તેઓએ ચાંદોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ચાંદોદ પોલીસે સેજલ માછીની ફરિયાદથી પતિ ભૂપેન્દ્ર માછી તેમજ તેના મિત્ર મિતેશ પ્રજાપતિ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.