વરસાદની શરૂઆત:છોટાઉદેપુર જિલ્લામાં પહેલા પહેલા વરસાદે ગરમીથી ત્રસ્ત ધરાને ભીંજવી દીધી

છોટાઉદેપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી - Divya Bhaskar
નસવાડી

જિલ્લામાં શનિવારે કેટલાક સ્થળે બપોરના સમયે અચાનક વાતાવરણમાં અચાનક પલટો આવતાં ચોમાસાના એંધાણ વર્તાયા હતા. ત્યારે બપોર બાદ નસવાડી તથા કવાંટ તાલુકાના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને અસહ્ય ગરમી તથા ઉકળાટથી રાહતનો અનુભવ થયો હતો. નસવાડીના ડુંગર વિસ્તારના ગાંમડાંઓમાં ભારે પવન સાથે વરસાદના ઝાપટાં પડ્યા હતા. જ્યારે કવાંટ સહિત તાલુકાના વિસ્તારમાં પણ શનિવારે બપોરના 3.30 કલાકે પવનની સાથે વીજળીના કડાકા સાથે વરસાદની પધરામણી થઈ હતી.

લગભગ 30 મિનિટ સુધી વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગરમીને લઈને બાફ વધવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા ત્યારે આ પહેલા વરસાદમાં પલળવા માટે લોકો માર્ગો પર નીકળી પડ્યા હતા. પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જાવા પામી હતી અને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી હતી. જોકે વરસાદની શરૂઆત થતાં જ ઠેર ઠેર વીજળી ગુલ થઈ જવા પામી હતી.

પવન અને વીજળી સાથે પડેલા અમી છાંટણા ધીરે ધીરે વરસાદના રૂપમાં ફેરવાઈ ગયા હતા. જોકે વાતાવરણમાં આવેલ અચાનક બદલાવને લઈને ખેડૂતોને ચિંતા થઇ હતી. ખેત પેદાશોને પોતાના ખેતરમાં ખુલ્લી મૂકી હોવાથી વરસાદમાં પલળી ના જાય કે ખરાબ ના થાય તે માટે ખેડૂતો પોતાની ખેત પેદાશોને સલામત સ્થળે ખસેડતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...