ચૈત્રી અમાવાસ્યાની સાથે શનિવારનો સંયોગ રચાયો હતો. આ દિવસના વિશેષ મહાત્માને અનુલક્ષી ડભોઇ તાલુકાના કરનાળી ખાતે શ્રી કુબેરેશ્વર મહાદેવના દર્શન તેમજ નર્મદા સ્નાનનો લાભ લેવા સેંકડોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ત્યારે અમાસના દિને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નમારીયા ગામનો બારીયા પરિવાર દાદાના દર્શન કરી અગ્નિ તીર્થ મંદિરના કિનારે નર્મદા નદીમાં સ્નાન માટે ગયો હતો. દરમિયાન નર્મદા નદીમાં પાણી વધુ હોય તેનો અંદાજ ન રહેતા ધસમસતા પ્રવાહમાં બારીયા પરિવારનો 19 વર્ષીય યુવાન ભરત નગીનભાઈ બારીયા વહેણ સાથે ગરક થઈ લાપતા બન્યો હતો.
શનિવાર મોડી સાંજ સુધી યુવાનની શોધખોળ છતાં પત્તો લાગ્યો ન હતો. ત્યારે ચાંદોદ પોલીસે રવિવારે ફરી તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરતા અગ્નિ તીર્થ મંદિરના કિનારા નજીકમાંથી જ યુવાનનો મૃતદેહ મળ્યો હતો. ચાંદોદ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ડભોઇ સરકારી હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.