વહીવટ:છોટાઉદેપુર પાલિકાનો વહીવટ મામલતદારને સોંપાયો

છોટાઉદેપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુરનું સુકાન મામલતદાર આર. આર. ભાભોરને સોપવામાં આવ્યું
  • ચૂંટણી લડવા ઈચ્છતા મૂરતિયાઓ કાગડોળે ચૂંટણીની જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે

છોટાઉદેપુર નગર પાલિકાનો વિસ્તાર કુલ 7 વોર્ડમાં આવેલો છે. જેનાં ચૂંટાયેલા સભ્યોની મુદત પાંચ વર્ષની હોય છે. 24 ફેબ્રુઆરીએ પૂર્ણ થતાં હવે સરકાર દ્વારા છોટાઉદેપુર પાલિકાનો વહીવટ છોટાઉદેપુર મામલતદાર રમણભાઈ ભાભોરને સોંપવામાં આવ્યો છે. જ્યારે 28 સભ્યો સત્તાવિહોણા બની ગયા છે. જ્યારે છોટાઉદેપુરના ચીફ ઓફિસર લાંબી રજા ઉપર છે અને ડભોઇના ચીફ ઓફિસર જે એમ તડવી ચાર્જમાં છે. બે ચાર્જ હોવાને કારણે સમય આપી શકતા નથી. આવનારી ચૂંટણીની તારીખ લાંબી ઠેલાવાની શક્યતાઓ હોય જેથી સરકાર દ્વારા હવે વહીવટદાર તરીકે મામલતદાર નીમવામા આવ્યા છે.

સરકાર દ્વારા રાજ્યની 76 જેટલી નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતાં વહીવટ દારની નિમણૂક કરવામાં આવી છે. જેમાં છોટાઉદેપુરનું સુકાન મામલતદાર આર આર ભાભોરને સોપવામાં આવ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી ક્યારે યોજાશે, તેની કોઈ ખબર નથી. પરંતુ ચૂંટણી લડવા ઈચ્છતા મુરતિયાઓ કાગડોળે ચૂંટણીની જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે.

છોટાઉદેપુર નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે અને 28 સભ્યોનું બોર્ડ રચાય છે. ચૂંટણીમાં પ્રજાએ 28 સભ્યોની પસંદગી કરવાની હોય છે. જિલ્લા નું મુખ્ય મથક હોય અને સરકાર વિકાસને અગ્રીમતા આપતી હોય જેથી વિકાસમાં સહભાગી થવા ચૂંટણી લડવા ઇચ્છુકોનો અત્યારથી જ રાફડો ફાટ્યો છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં નગરપાલિકામાં થયેલા વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોય તેમ લોકો જણાવી રહ્યા છે.

કોન્ટ્રાક્ટરો કોઈની વાત માનતા નહોય અને બેફામ બની કામગીરી કરી રહ્યા છે જેવી ઘણા સમયથી નગરમાં ચર્ચાઓ ચાલે છે. હાલમાં તો બસ સબ સલામતની વાતો ચાલી રહી છે. કરેલી કામગીરી અને ટકાવારી આવનારાં ચોમાસામાં નરી આંખે જણાઇ આવશે તેમ લાગી રહ્યું છે અને બધી પોલ જોવા મળશે. તેમ લાગી રહ્યું છે. પ્રજાની ઈચ્છા અનુસાર સરકાર દ્વારા જે પણ નવા વહીવટદાર નીમવામાં આવે તેઓ વિકાસના કામો અંગે ઉંડાણપૂર્વક તપાસ કરે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...