ઠેરઠેર પાણીનો પ્રશ્ન!:છોટાઉદેપુર નગરની 35000 જેટલી વસ્તી દોઢ દિવસથી પીવાના પાણી માટે ટળવળે છે

છોટાઉદેપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર ઓરસંગ નદીમાં આવેલા નગરપાલિકાના વોટર વર્ક્સની અંદર ઠલવાતું હાફેશ્વર યોજનાનું પાણી. - Divya Bhaskar
છોટાઉદેપુર ઓરસંગ નદીમાં આવેલા નગરપાલિકાના વોટર વર્ક્સની અંદર ઠલવાતું હાફેશ્વર યોજનાનું પાણી.
  • કવાંટ પાસે પાલિકાની 75 હોર્સ પાવરની મોટર ઉડી જતાં પૂરતું પાણી નથી અપાતું
  • પાણીના સ્તર ઊંડાં જતાં કૂવાઓ ખાલી, લાખોના ખર્ચે ઉભો કરાયેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ હાલ બંધ

છોટાઉદેપુર નગરમાં છેલ્લા દોઢ દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ઓરસંગનદી આધારિત નગરપાલિકાના 2 વોટરવવર્કસના કુવામાં છેલ્લાં ઘણા સમયથી પાણીના સ્તર ઊંડા ઉતરી જવાને કારણે તથા પાલિકા વોટરવવર્કસ કૂવામાં પાણી આવતું નથી. જેના કારણે રોજનું 30થી 40 લાખ લીટર પાણી રૂા. 4 પૈસા પ્રતિ લીટર હાફેશ્વરથી મંગાવવાની ફરજ નગર પાલિકાને પડી છે. પરંતુ હાફેશ્વર દાહોદ પાણી પાઇપ લાઈનનું રસ્તામાં કવાંટ પાસે ટેકનીકલી કામ ચાલતું હોવાને કારણે તથા પાલિકાની 75 હોર્સ પાવરની મોટર ઉડી જતા. છેલ્લા દોઢ દિવસથી પ્રજા પાણી અર્થે ટળવળી રહી છે.

રેતી ખનને કારણે પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરની 35 હજાર જેટલી વસ્તીને પાણી પૂરું પાડતી ઓરસંગ નદીના નગરપાલિકા આધારીત વોટરવવર્કસના 2 કુવા આવેલા છે. પરંતુ નદીમાં વોટરવવર્કસની આસપાસ ભારે રેતી ખનન થઈ જવાથી પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા છે. અને જોઈએ તે પ્રમાણમાં કૂવામાં પાણી એકત્રિત થતું નથી. જેને કારણે નગરની પ્રજાને ઉનાળામાં જ્યારે પાણીની તાતી જરૂર હોય તેવા સમયે પાણી મળતું નથી. આ સમસ્યાથી વર્ષોથી નગરની પ્રજા પીડાય છે. પરંતુ તંત્ર દ્વારા તેનો કોઈ કાયમી ઉકેલ કરવામાં આવતો નથી. જેથી પ્રજાને હાલાકી ભોગવવી પડે છે.

લાખોના ખર્ચે બનાવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ
2 વર્ષ અગાઉ તંત્ર દ્વારા ઓરસંગ નદી ઉપર રૂા. 4 કરોડના ખર્ચે ચેકડેમ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી જે પૂર્ણ થઈ ગઈ અને ચેકડેમ તૈયાર થઈ ગયો. પરંતુ ચાલુ વર્ષે તંત્રની બેદરકારીના કારણે ચેકડેમના દરવાજા યોગ્ય સમયે બંધ કરવામાં ન આવતા બધુ પાણી ઓસરી ગયું અને એકત્રિત થયું નહિ. જેથી ચાલુ વર્ષે પણ પાણીનો પ્રશ્ન નગરની પ્રજાને સતાવી રહ્યો છે. જે અંગે જવાબદારી કોની તે પ્રશ્ન થાય છે. લાખોના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નવો ઉભો કરવામાં આવ્યો છે. જે પણ હાલ બંધ હાલતમાં છે.

પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા લોકોમાં રોષ
​​​​​​​સરકાર દ્વારા હાફેશ્વરથી દાહોદ નર્મદા નદીનું પાણી આપવાની યોજના શરૂ કરવામાં આવે જેનો લાભ છોટાઉદેપુરને પણ મળે છે. રૂા 4 પૈસા પ્રતિ લીટર રોજનું 35થી 40 લાખ લીટર છોટાઉદેપુર નગરપાલિકા પાસે હાફેશ્વરથી પાણી મંગાવે છે. પરંતુ ટેકનિકલી ખામીના કારણે છેલ્લા દોઢ દિવસથી પાણી નગરને ન મળતા નગરમાં ઘરે ઘરે પાણી પૂરતા પ્રમાણમાં તથા સમયસર પહોંચ્યું નથી. જેને કારણે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.

શુક્રવારે બપોર સુધીમાં પાણી મળી જશે
નદીમાં રેતીના સ્તર ઊંડા ઉતરી ગયા છે. જેથી પાણી એકત્રિત થતું નથી. અને કોરું થઈ જવાનો કારણે વારંવાર મોટરો ઉડી જાય છે. અને પાણી ખેંચવામાં તકલીફ પડે છે. હાફેશ્વર લાઈનમાં વચ્ચે ટેકનિકલી કામ ચાલતું હોય જેના કારણે એક દિવસ પ્રજાને પાણી મળી શક્યું નથી. વહેલી તકે પ્રાણીની સમસ્યાનો ઉકેલ આવે તે અર્થે અમારા પ્રયત્નો ચાલુ છે. શુક્રવારે બપોર સુધીમાં પાણી મળી જશે. - સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...