'હું તો ચૂંટણી લડવાનો જ છું':છોટા ઉદેપુરની ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ; સુખરામ રાઠવાએ કહ્યું, રાજકારણમાં કોઈને ઘડપણ નડતું નથી અને હું કંઈ ઘરડો નથી

છોટા ઉદેપુર21 દિવસ પહેલા

ચૂંટણી તો લડવાનો જ છું, રાજકારણમાં ચૂંટણી લડવા માટે કોઈને ઘડપણ નડતું નથી અને હું ઘરડો પણ નથી થયો. આ શબ્દો કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાના છે, જેમનો એક વીડિયો વાઈરલ થયો હતો, કે તેઓ ચૂંટણી લડવા ના નથી. જે બાદ આજે તેઓએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી આ અફવા છે અને ચૂંટણી તો હું ચોક્કસ લડીશ તેમ જણાવ્યું હતું. હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લાની બે વિધાનસભા છોટા ઉદેપુર અને જેતપુર પાવી બેઠકોની ટિકિટ માટે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. તો આવો જાણીએ સુખરામ રાઠવાએ આગામી ચૂંટણી અંગે શું વાત કરી અને પોતાના પુત્રને હાલમાં કેમ ચૂંટણી લડાવવા નથી માંગતા?

વિધાનસભાની ચૂંટણીને લઈ સુખરામ રાઠવાનો હુંકાર
વિધાનસભાની ચૂંટણીને લઈ સુખરામ રાઠવાનો હુંકાર

હું મારા પુત્રને લડાવવાનો નથી: સુખરામ રાઠવા
દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં સુખરામ રાઠવાએ જણાવ્યું કે, રાજકારણમાં ચૂંટણી લડવા માટે કોઈને ઘડપણ નડતું નથી અને હું ઘરડો પણ નથી થયો. ચૂંટણી તો લડવાનો જ છું. પાર્ટી આદેશ કરશે તે પ્રમાણે લડીશ. પણ ચૂંટણી તો ચોક્કસ લડીશ. પરંતુ ગઈકાલે જે સમાચાર વહેતા થયા. તેનું મને પણ દુ:ખ થયું છે. હું મારા પુત્રને લડાવવાનો નથી. હજુ એને વાર છે જ્યારે તે તૈયાર થશે ત્યારે જોઈશુ. હાલમાં એવા કોઈ સંજોગો નથી કે મારા દીકરાને હું ચૂંટણી લડાઉ. જનતા અને કાર્યકરોની જે ઈચ્છા હશે તેને ધ્યાનમાં લેવામાં આવશે.

પાર્ટી આદેશ કરશે તે પ્રમાણે લડીશ. પણ ચૂંટણી તો ચોક્કસ લડીશ.
પાર્ટી આદેશ કરશે તે પ્રમાણે લડીશ. પણ ચૂંટણી તો ચોક્કસ લડીશ.

સુખરામ રાઠવાને બદલે કોને ટિકિટ આપવા વાત હતી?
છોટા ઉદેપુર બેઠક માટે મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્ર રાઠવાને ટિકિટ માટે તેમજ સાંસદ નારણ રાઠવા પોતાના પુત્ર સંગ્રામ રાઠવા માટે ટિકિટની માંગણી કરી હતી. નારણ રાઠવાએ અગાઉ મીડિયા સમક્ષ જેતપુર પાવી બેઠક પરથી સુખરામ રાઠવાને બદલે તેમના જમાઈ અને મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્ર રાઠવાને તેમજ છોટા ઉદેપુરની બેઠક ઉપર પોતાના પુત્ર સંગ્રામ રાઠવાને ટિકિટ આપવા માટે તેમજ સુખરામ રાઠવાને આવનાર લોકસભા લડવાની વાત કરી હતી.

સુખરામ રાઠવા ચૂંટણી નહિ લડે તેવા સમાચાર ગઈકાલે વહેતા થયા હતા
સુખરામ રાઠવા ચૂંટણી નહિ લડે તેવા સમાચાર ગઈકાલે વહેતા થયા હતા

સુખરામ રાઠવાની ડંકાની ચોટ પર જાહેરાત
છોટા ઉદેપુર જિલ્લાનું કોંગ્રેસનું રાજકારણ ગરમાઇ ગયું છે અને પૂત્રમોહમાં આવી ગયેલા નેતાઓ નિવેદનબાજી શરૂ કરી છે. તેમાં બળતામાં ઘી હોમાયું હોય તેમ ગઈકાલે મીડિયામાં સુખરામ રાઠવા ચૂંટણી નહિ લડે તેવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આ સમાચારને લઇને આજે બોડેલી સર્કિટ હાઉસ ખાતે સુખરામ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ડંકાની ચોટ ઉપર પોતે ચૂંટણી લડવાની છે તેવી જાહેરાત કરી હતી અને ગઈકાલે મીડિયામાં આવેલ સમાચારને સત્યથી વેગળા ગણાવ્યા હતા.

સુખરામ રાઠવાની 2022માં વિધાનસભા વિરોધપક્ષના નેતા તરીકે નિમણૂક થઈ હતી
સુખરામ રાઠવાની 2022માં વિધાનસભા વિરોધપક્ષના નેતા તરીકે નિમણૂક થઈ હતી

કોણ છે સુખરામ રાઠવા?
સુખરામ રાઠવા હાલ જેતપુર પાવી વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા છે. સુખરામ રાઠવા 1995થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યાં છે. અત્યાર સુધી સુખરામ રાઠવા 1985,1990, 1995, 1998માં ચૂંટણી લડીને ધારાસભ્ય તરીકે બિરાજમાન થયા હતા, જ્યારે 2002માં ભાજપના શંકરભાઈ રાઠવા સામે, 2007માં ભાજપના ગુલસિંગભાઈ રાઠવા સામે જ્યારે 2012માં સીમાંકનમાં ફેરફાર થતા ભાજપના જયંતિ રાઠવા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે છેલ્લે 2017માં ભાજપના જયંતિ રાઠવા સામે જીત મેળવી હતી અને 2022માં વિધાનસભા વિરોધપક્ષના નેતા તરીકેની જવાબદારી મળી છે.

અન્ય સમાચારો પણ છે...