તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:શિક્ષકો શ્રેષ્ઠ સમાજનું ઘડતર કરે છે: મંત્રી યોગેશ પટેલ

છોટાઉદેપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને શિલ્ડ, ચેક તથા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને શિલ્ડ, ચેક તથા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • છોટાઉદેપુર ખાતે સ્વામિનારાયણ સત્સંગ હોલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ
  • જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને શિલ્ડ, ચેક તથા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા

છોટાઉદેપુર ખાતે આવેલા સ્વામિનારાયણ સત્સંગ હોલમાં આયોજીત શિક્ષક દિન ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા રાજ્યના નર્મદા અને શહેરી ગૃહનિર્માણ રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ભાવિ નાગરિકોમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરતા શિક્ષકો દ્વારા જ શ્રેષ્ઠ સમાજનું ઘડતર કરવામાં આવે છે. ભાવિ પેઢીને માર્ગદર્શક બની બાળકોના ભવિષ્ય ઘડતર માટે શિક્ષક મહત્વની કડી બની રહે છે.

એમ જણાવી તેમણે રાજ્ય સરકાર દ્વારા ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે લેવામાં આવી રહેલા અનેકવિધ પગલાઓ અંગે વિગતે છણાવટ કરી હતી. ઉપરાંત તેમણે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી નવી શિક્ષણ નીતિ અંગે જાણકારી આપી નવી શિક્ષણ નીતિથી શિક્ષણ ક્ષેત્ર ધરખમ ફેરફાર આવશે એમ જણાવ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવતા શિક્ષક દિન કાર્યક્રમ ઉજવવાનો આશય સ્પષ્ટ કરી મંત્રીએ શિક્ષકોને સન્માનવા માટેનો આ અનેરો કાર્યક્રમ હોવાનું જણાવ્યું હતું.

તેમણે પોતાના બાળકો જેટલી જ ચિંતા પોતાના વિદ્યાર્થીઓની કરી તેમનું ધ્યાન રાખતા શિક્ષકો ખરા અર્થમાં વાલીની ભૂમિકા અદા કરે છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત સરકાર દ્વારા ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણની ગુણવત્તા સુધરે એવા પ્રયાસો કરવામાં આવે છે. એમ જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રી યોગેશભાઇ પટેલ અને અન્ય મહાનુભાવોએ ચુનાખાણ(સોડત) પ્રાથમિક શાળા, તા. નસવાડીના શિક્ષક વળવી રૂષાભાઇ ઓફણસિંહ અને કરજવાંટ શ્રેષ્ઠ ગ્રૂપ શાળા, તા. કવાંટના શિક્ષક રાઠવા સોમસિંગભાઇ દુરસિંગભાઇને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રૂા. 15000નો ચેક, શિલ્ડ પ્રમાણપત્ર આપી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ખજુરીયા ફળિયા પ્રાથમિક શાળા, તા. છોટાઉદેપુર શિક્ષક સોલંકી હિતેશચંદ્ર સોમાભાઇ, કવાંટ તાલુકા પ્રાથમિક શાળા નં.1, તા. કવાંટના શિક્ષક રાઠવા સુરસિંહ કરશનભાઇ, ગોજારીયા ફળિયા પ્રાથમિક શાળા, તા. કવાંટના શિક્ષક રાઠવા કૈલાભાઇ ખુમજીભાઇ તથા હરેશ્વર પ્રાથમિક શાળા, તા. સંખેડાના શિક્ષિકા ચૂડાસમા છાયાબેન મોહિતકુમારને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રૂા. 5000નો ચેક, શિલ્ડ, પ્રમાણપત્ર આપી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને બેચ અને પ્રમાણપત્ર વિતરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, રાજ્ય સભા સંસદ નારણભાઇ રાઠવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરપર્સન ભાવનાબેન રાઠવા, આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવા, માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, અન્ય સગઠનના હોદ્દેદારો, શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...