છોટા ઉદેપુર નગરમાં આવેલી ડૉ. ભીમરાવ આંબેડકર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ આવ્યું ન હોય જે બાબતે આદિવાસી વિદ્યાર્થીઓએ બુધવાર તા.14 ડિસેમ્બર 2022ના રોજ જિલ્લા કલેકટર તેમજ પ્રાયોજના વહીવટદારને ઉદ્દેશીને સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપી પોતાની પીડા વ્યક્ત કરી છે. આપેલ આવેદનપત્રમાં આદિવાસી વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે ડૉ. ભીમરાવ આંબેડકર હોસ્ટેલમાં અમોને જમવાનું ગુણવત્તા વાળું મળતું નથી.
હોસ્ટેલમાં જે જમવાનું આપવામા આવે છે તે મેનુ પ્રમાણે આપવામા આવતું નથી. હોસ્ટેલમાં 40 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ સંડાસ બાથરૂમ છે. તેમાં પણ લાઈન બ્લોક થઈ ગઈ છે. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છતાં હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. હોસ્ટેલના સ્ટાફ દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે અને ધાકધમકી આપવામાં આવે છે. તેથી હોસ્ટેલના સ્ટાફ સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી લેખિતમાં આપેલ આવેદન પત્રમાં માગ કરી છે.
આદિવાસી વિસ્તારમા આવેલ છાત્રાલયોમાં જો તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. પછાત ગણાતો છોટાઉદેપુર આદીવાસી જિલ્લો શિક્ષણની દ્રષ્ટિ એ પણ પાછળ હોય આદિવાસી વિદ્યાર્થીઓને અગવડ પડે તે ભારે દુઃખ ની વાત છે. તંત્ર આ અંગે યોગ્ય પગલા ભરી વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા તુરંત પૂરી પાડે તેવી છાત્રો માગ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓની માગ વાજબી છે
છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓની માંગ વાજબી છે. તેઓને પ્રાથમિક સુવિધા પૂરી પાડવી એ ખૂબ જરૂરી છે. જમવાનું ગુણવત્તાવાળું નિયમ પ્રમાણે મળે તથા શૌચાલયની સુવિધા યોગ્ય મળે એ જરૂરી છે. એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ. સાથે આદિવાસી વિદ્યાર્થીઓની માંગણીઓ અંગે ખાસ ધ્યાન આપી તેઓની જૂની સમસ્યાઓ બાબતે વહીવટી તંત્રે યોગ્ય પગલાં ભરવા જોઈએ જેથી વિદ્યાર્થી સરળતાથી શિક્ષણ મેળવી શકે અને પોતાનું ભવિષ્ય બનાવી શકે. > રમેશભાઇ ખત્રી, અધ્યક્ષ, જિલ્લા શાળા સંચાલક મંડળ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.