વિદ્યાર્થીઓ લાચાર:છોટાઉદેપુરની નિવાસી આશ્રમ શાળામાં જાતે રસોઈ બનાવવા વિદ્યાર્થીઓ લાચાર

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલીક આશ્રમ શાળાઓમાં એક રસોઈયો જ્યારે કેટલીક શાળામાં રસોઈયા પણ નથી
  • આશ્રમ શાળામાં ભણતા આશરે 7500 બાળકોને જાતે રસોઈ બનાવવાની ફરજ પડે છે

છોટાઉદેપુર જિલ્લાની આશ્રમ શાળાઓમાં રહી અભ્યાસ કરતા બાળકોને પોતાના પેટનો ખાડો પૂરવા જાતે રસોઈ બનાવવાની નોબત આવી છે. જિલ્લાની કેટલીક આશ્રમશાળાઓમાં એકજ રસોઈયા હોય અને આશરે 300થી 400 છાત્રોની રસોઈ બનાવવી પડે છે. જેથી છાત્રોએ મદદ કરવી પડે છે. ત્યારે ભૂખ સંતોષાય છે. જ્યારે કેટલીક આશ્રમશાળામાં રસોઈયા પણ ન હોવાથી છાત્રોએ જાતે રસોઈ બનાવવાનો વારો આવે છે. ફરિયાદ આશ્રમ શાળા સંચાલકો કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો એકમાત્ર જિલ્લો છે. ગુજરાતમાં મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલો તદ્દન પછાત અને ડુંગરાળ પ્રદેશમાં આવેલો આદિવાસી જિલ્લો છે. જેમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે. અને આદિવાસી લોકો મજૂરી અર્થે બહારગામ જાય છે અને પોતાના સંતાનોને નિવાસી શાળામાં શિક્ષણ લેવા મજબૂર હોય આ બાળકોને આશ્રમ શાળાઓમાં ભણવા મૂકીને બહારગામ મજૂરી કરવા માટે જાય છે. આવા ગરીબ આદિવાસી બાળકોને બે ટાઈમ ભોજન અને નાસ્તા માટે સરકાર તરફથી રસોયાની જગ્યા કાયમી ધોરણે આપવામાં આવતી હોય છે.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આવી જગ્યાઓ લગભગ 70 આશ્રમ શાળાઓમાં ખાલી છે અને નવી આશ્રમશાળાઓ મંજૂર થઈ છે. તેમાં એક પણ રસોઈયા આપવામાં આવેલ નથી. જેના કારણે આશ્રમ શાળામાં ભણતા આશરે 7500 બાળકોને જાતે રસોઈ બનાવવાની ફરજ પડે છે.

રસોઈયા અભાવે વિદ્યાર્થીઓને ખ્યાલ ન આવતા જેના લીધે શિક્ષકોને શિક્ષણકાર્ય છોડીને રસોઈ બનાવવા માટે મજબૂર થવું પડે છે અને તેના લીધે શિક્ષણ પર વિપરીત અસર પડે છે. જે અંગે છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલકના અધ્યક્ષ રમેશભાઈ એસ. ખત્રીએ દ્વારા મુખ્યમંત્રી તેમજ આદિજાતિ મંત્રી તેમજ લાગતાવળખતા ખાતાના ઉચ્ચ અધિકારીઓને પત્ર દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા વહેલી તકે આ રજૂઆતને ધ્યાનમાં લઈને ઘટતું કરવા વિનંતી કરેલ છે. જેથી સાડા સાત હજાર જેટલા આદિવાસી બાળકોને સારી ભોજનની સગવડ મળી રહે તેમ જ સારું શિક્ષણ પ્રાપ્ત કરે એવી અપેક્ષા સંચાલકો સેવી રહ્યા છે.

આદિવાસી જિલ્લામાં શિક્ષણનું સ્તરનીચું હોય વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના બાળકને અભ્યાસ અર્થે આશ્રમશાળામાં મૂકી મજૂરીએ જતા રહે છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા આશ્રમશાળાઓની પરિસ્થિતિ દયનિય હોય તેમ લાગી રહ્યું છે. અભ્યાસ કરતા છાત્રોએ અભ્યાસ છોડીને રસોઈ બનાવવી પડે તો આજની યુવા પેઢી શિક્ષણ કેવી રીતે મેળવશે. વિકાસની ગાથા વચ્ચે છાત્રોનું ભવિષ્ય રૂંધાઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તંત્ર આ અંગે ધ્યાન આપે એ ખૂબ જરૂરી છે.

જિલ્લાની આશ્રમ શાળાઓમાં રસોઈયાની ઘટ પૂરવા તંત્ર પગલાં ભરે એ ખૂબ જરૂરી છે
છોટાઉદેપુર જિલ્લાની આશ્રમ શાળાઓમાં રસોઈયાની ઘટ છે. જેના લીધે વિદ્યાર્થીઓને જાતે રસોઈ બનાવવાની ફરજ પડે છે. જે ખરેખર દયનિય બાબત છે. જેના માટે રાજ્યના મુખ્યમંત્રી અને આદિજાતિ મંત્રી બંનેને પત્ર લખી રજુઆત કરેલ છે. છતાં પણ હજુસુધી તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી. જે બાબતે સરકાર તુરંત પગલાં ભરે એ ખૂબ જરૂરી છે. > રમેશભાઈ ખત્રી, અધ્યક્ષ, છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...