છોટાઉદેપુર જિલ્લામાં 55 જેટલી પ્રાથમિક અને માધ્યમિક આશ્રમશાળાઓ કાર્યરત છે. જેમાં કેટલાક વર્ષોથી શિક્ષકોની ફાળવણી વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે થતી નથી. જ્યાં વિદ્યાર્થીઓ ઓછા હોય ત્યાં શિક્ષકો વધારે ફાળવી દેવામાં આવતા જ્યાં શિક્ષકોની ઘટ છે જે પુરાતી નથી. જેના કારણે આદિવાસી વિદ્યાર્થીઓના ઘડતરનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. અને આશ્રમશાળા સંચાલક મંડળમાં ચર્ચાનો વિષય બન્યો છે. 16 વિદ્યાર્થીની વચ્ચે 4 શિક્ષક છે. જે જગ્યાએ શિક્ષકોની ઘટ હોય ત્યાં મુકવા જોઈએ તેવી માંગ ઉઠી છે.
ટાઉદેપુર જિલ્લા આશ્રમશાળા સંચાલક મંડળના અધ્યક્ષ રમેશભાઈ ખત્રી જણાવી રહ્યા છે કે જિલ્લામાં આવેલી આશ્રમશાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે શિક્ષકો વધુ હોય છે. જ્યારે ઘણી જગ્યાએ ઓછા હોય છે. રસોઈયા તથા આચાર્ય અને કલાર્કની પણ જગ્યા ખાલી છે. જેની ગંભીર અસર વહીવટ અને શિક્ષણ ઉપર પડે છે. પરંતુ કોઈક કારણ સર આશ્રમ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. તથા નહિવત છે. જેના પાછળ શિક્ષણ કાર્ય જવાબદાર છે. એટલું જ નહિં પરંતુ શિક્ષણ અને માર્ગ દર્શન એટલુંજ જરૂરી છે.
કારણકે આશ્રમશાળાઓમાં બાળકો સ્થળ ઉપર રહી અભ્યાસ કરે છે. તો સારી ગુણવત્તાવાળું ભોજન તેમજ ભૌતિક સુવિધા ન મળવાથી સંખ્યા ઘટી રહી છે. એ પણ એટલું જ કારણભૂત છે. છેલ્લા 5 વર્ષથી વહીવટ ચકાસણી પણ થઈ નથી. જેની પ્રત્યક્ષ અને પરોક્ષ અસર શિક્ષણ ઉપર પડી રહી છે. જેના ફળ સ્વરૂપ 10માંથી 6 ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓના બોર્ડના પરિણામ સરકાર દ્વારા ખર્ચ કરવા છતાં 30 %થી ઓછા આવે છે. પ્રાથમિક શાળાઓમાં 120 વિદ્યાર્થીએ 5 શિક્ષક મળવા જોઈએ. જેની સામે વહીવટી કાર્ય દક્ષતાના અભાવને લીધે 50ની સંખ્યા હોય ત્યાં 3થી 4 શિક્ષકો કામ કરે છે.
રૂનવાડની આશ્રમ શાળામાં ફક્ત 2 શિક્ષક ફાળવાતાં મુખ્ય વિષયના શિક્ષણથી વિદ્યાર્થીઓ વંચિત
રૂનવાડ આશ્રમશાળામાં 4 શિક્ષકોની જગ્યાએ ફક્ત 2 શિક્ષક આપવામાં આવ્યા છે. જેમાં ધો 9 અને 10માં 2 શિક્ષક આપ્યા. ગણિત, વિજ્ઞાન, અંગેજીના શિક્ષક છે. તો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સમાજવિદ્યા કોણ ભણાવશે એ મૂંઝવણ છે. છોટાઉદેપુર ના રૂનવાડ ની આશ્રમ શાળામાં ધોરણ 9થી ધોરણ 12નું સળંગ એકમ છે. જેમાં ધોરણ 9 અને 10માં 120 જેટલા વિદ્યાર્થીઓ છે. જેમાં નિયમ પ્રમાણે 3 શિક્ષક અને 1 આચાર્ય મળવો જોઈએ. જેના બદલે તંત્ર દ્વારા ફક્ત 2 શિક્ષક ફાળવવામાં આવ્યા છે. જેથી મુખ્ય વિષયના શિક્ષણથી વિદ્યાર્થીઓ વંચિત રહે છે. આ અંગે ધ્યાન આપવું જરૂરી છે. જેવી રીતે 11 અને 12ના નિયમ પ્રમાણે 5 શિક્ષક મળવા પાત્ર છે. જેની જગ્યાએ 3 શિક્ષક છે. આ રીતે આશ્રમ શાળામાં ભણતા આદિવાસી વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ખૂબ નીચું જઇ રહ્યું છે. તેમ આશ્રમ શાળા સંચાલક મંડળના અધ્યક્ષે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.