છોટાઉદેપુર નગરમાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી લાઈટના લો વોલ્ટેજનો પ્રશ્ન પ્રજાને સતાવી રહ્યો છે. જેના કારણે વીજ ઉપકરણોને ભારે નુકસાન થઈ રહ્યું છે. જે અંગે પ્રજા રજૂઆતો કરી કરીને થાકી ગઈ છે. પરંતુ એમજીવીસીએલ તંત્રને ધ્યાને આ વાત આવતી નથી નગરની લો વોલ્ટેજની સમસ્યાને ધ્યાને લઇ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાએ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખી તથા રૂબરૂમાં આ જટિલ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે.
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ લખેલ પત્રમાં જણાવ્યું છે કે મારો છોટાઉદેપુર નગરપાલીકાનો ભૌગોલિક વિસ્તાર ત્રણ કિમી, ઉપરાંતમાં વહેંચાયેલો છે. છોટાઉદેપુર નગરપાલીકા વિસ્તારમાં કાયમી ધોરણે લો વોલ્ટેજના પ્રશ્ન રહયો છે. અવાર-નવાર આવેદનપત્રો આપ્યા તેમજ રૂબરૂ રજુઆતો કરી હોવા છતાં લો વોલ્ટેજની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. છોટાઉદેપુરના ગુરૂકૃપા વિસ્તારમાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી લો વોલ્ટેજનો પ્રશ્ન રહ્યો છે. આ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક આસ્થાના સ્થાનો આવેલા છે. લો વોલ્ટેજને કારણે ઈલેકટ્રીક વસ્તુઓ ઉડી જાય છે અને પ્રજાને આર્થીક રીતે મોટુ નુકશાન થાય છે.
વારંવાર ડે. એન્જીન્યરને રજૂઆત કરવા છતાં હેવી વોલ્ટનુ ટીસી, બેસાડવામાં આવતુ નથી. તો આ બાબતે તાત્કાલીક નવુ ટી.સી. બેસાડવાની સુચના આપની કક્ષાએથી આપવા વિનંતી છે. છોટાઉદેપુર તાલુકાના અસંખ્ય ગામોમાં લો વોલ્ટેજના પ્રશ્નો કાયમી ધોરણે રહ્યા છે. આમારી અનેક વખત રજૂઆત હોવા છતાં નવા હેવી વોલ્ટના ટીસી બેસાડાતી નથી. લો વોલ્ટેજના ટી.સી. બેસાડાયા છે.
જે માત્ર બે ચાર દિવસ ચાલે છે અને ફરી પાછા તાલુકાજનોને અંધારા ઉલેચવાનો વારો આવે છે. તો તાત્કાલીક સમગ્ર તાલુકાનો ભૌગોલિક વિસ્તાર તેમજ લાંબી લાઈનોનુ રીસર્વે કરી તાલુકાના તમામ ગામોમાં પુરતા વોલ્ટેજની લાઈટ મળે તે માટે આપની કક્ષાએથી જરૂરી હુકમો કરી લો વોલ્ટેજનો પ્રશ્ન હલ કરવા મારી ખાસ વિનંતી સહ માંગણી અને લાગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.