એક તરફ દેશની આઝાદિના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના એક ગામની વિકાસથી વંચિત વરવી વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લાના અને સૌથી પછાત એવા કવાંટ તાલુકાના રોડધા ગામના લોકો આજે એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી ને આવેદન પત્ર પાઠવ્યું છે.
ગામલોકોનું આરોપ છે કે આજે પણ ગામમાં અવરજવરના રસ્તા અને પુલથી વંચિત છે. ગામની વચ્ચેથી પસાર થતી નદીને લઈ ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. આઝાદીથી લઈ અત્યાર સુધી આ નદી ઉપરથી પસાર થવા માટેના રસ્તો છે નાતો કોઈ કોઝવે બનાવવામાં આવ્યો છે. શિયાળા અને ઉનાળામાં તો લોકો નદીના પટમાંથી પસાર થઈ જાય છે. પરંતુ ચોમાસામાં સામા કાંઠાના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
શાળાએ જતા બાળકોને ઘરના એક વ્યક્તિએ ખભે બેસાડી લઈ જવા પડે છે. સામા કાંઠાના ફળિયામાંથી સગર્ભા કે અન્ય બીમાર વ્યક્તિને જો દવાખાને લઈ જવા હોય તો ખાટલામાં કે ઝોળી બનાવી નદી પાર કરવી પડે અને ત્યારબાદ 108 કે અન્ય વાહનમાં લઈ જઈ શકાય. ગામના લોકોના સામ સામે કાંઠે આવેલ ખેતરોમાં ખેતી કામ કરવા જવું હોય તો નદીના પ્રવાહમાંથી પસાર થવું પડે.
કોઈપણ કામ હોય નદીમાંથી પસાર થવા સિવાય કોઈ વિકલ્પ નથી. સામા કાંઠાના ફળિયામાં જવું હોય તો તમારું વાહન આ કાંઠે મૂકીને જ જવું પડે. આવેદન આપવા આવેલ ગામની મહિલાએ આરોપ લગાવ્યો હતો કે વર્ષોથી રજૂઆતો કરીએ છીએ પણ આજસુધી કાઈ થયું નથી. આવેદન પત્ર સ્વીકારતા જિલ્લા કલેક્ટરે જાત મુલાકાત લઈ વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.