મત ગણતરી:230 ગ્રા.પં.ના પરિણામો જાહેર, સરપંચપદે મહિલાઓનું વર્ચસ્વ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી સહિત જિલ્લામાં સરપંચપદની ચૂંટણી માટેની મતગણતરી થઇ રહી હતી ત્યારે જે તે ઉમેદવારોના સમર્થનમા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઠેર ઠેર જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. - Divya Bhaskar
નસવાડી સહિત જિલ્લામાં સરપંચપદની ચૂંટણી માટેની મતગણતરી થઇ રહી હતી ત્યારે જે તે ઉમેદવારોના સમર્થનમા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઠેર ઠેર જશ્નનો માહોલ જોવા મળ્યો હતો.
  • મત ગણતરી મથકો ઉપર પરિણામો જાણવા ટોળાં ઉમટ્યાં
  • છોટાઉદેપુરમાં ગ્રામ પં.ની ચૂંટણીમાં તા.19મીએ મતદાન બાદ મંગળવારે 6 કેન્દ્રો ઉપર મત ગણતરી યોજાઇ

છોટાઉદેપુર જિલ્લામાં તા. 19 ડિસેમ્બરે કવાંટ, નસવાડી, છોટાઉદેપુર, જેતપુરપાવી, સંખેડા અને બોડેલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેની 227 બેઠકો માટે 922 ઉમેદવાર જ્યારે 1441 વોર્ડના સભ્ય પદ માટે 3855 ઉમેદવાર અર્થે ચૂંટણી યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં તા. 19મીએ કુલ 230 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 78.59% મતદાન થયું હતું, જ્યારે 2 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં 65.17 % મતદાન થયું હતું.

તા. 21 ડિસેમ્બરે મત ગણતરી હતી. જે અર્થે છોટાઉદેપુર જિલ્લામાં કુલ 6 કેન્દ્રો ઉપર સવારના 8 વાગ્યાથી મત ગણતરી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીસીટીવી કેમેરાની નિગરાનીમાં અને કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે હાથ ધરવામાં આવી હતી.

મંગળવારે સવારથી જિલ્લાના મત ગણતરી મથકો ઉપર પરિણામો જાણવા અર્થે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. ઉમેદવારોના સમર્થકો ઢોલ, ત્રાંસા સાથે મતદાન મથકો ઉપર આવી પહોંચ્યા હતા. આ મતગણતરી મંંગળવારે મોડી રાત સુધી ચાલી હતી. જેમ જેમ ઉમેદવાર વિજેતા ઘોષિત થાય તેમ તેમ વિજેતાઓના ભવ્ય સરઘસથી જિલ્લમાં જશ્નનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો.

બમરોલીનંુ પરિણામ 10 કલાકે આવતાં ચર્ચા
બોડેલી તાલુકામાં બમરોલી ગ્રામ પંચાયતનું પરિણામ ખૂબ વિલંબે આવ્યું હતું. પ્રથમ રાઉન્ડમાં જ સવારે 11 ગ્રામ પંચાયતનુ એક સાથે મત ગણતરી હાથ ધરાઈ હતી. પ્રથમ રાઉન્ડ પૂરો થયો અને બીજા રાઉન્ડની પણ લગભગ બધી પંચાયતનું પરીણામ સાંજે 5 વાગ્યે આવ્યું હતું. તે વખતે બમરોલી પંચાયતનું પરિણામ મેરેથોન ગતિ પછી આવ્યું હતું. 1741 મત ગણતા ખૂબ વિલંબ થતાં લોકોમાં ચર્ચા ઉઠી હતી.

હાંડોદની વોર્ડ 7ની સગર્ભા વિજેતા બની
સંખેડા તાલુકાની હાંડોદ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-7ની ઉમેદવાર રેખાબેન દિલ્પેશકુમાર પટેલ વિજેતા બની હતી. રેખાબેન દિલ્પેશકુમાર પટેલ અને સગર્ભા મહિલા છે. તેમને નવમો મહિનો ચાલતો હોવા છતાં ચૂંટણી દરમિયાન પ્રચારકાર્ય કર્યો હતો અને મંગળવારે મતગણતરી માટે બીજા મજલે તે જાતે હાજર રહી હતી. મતગણતરી હાથ ધરાઇ ત્યારે તેને 22 મત મળ્યા હતા. 56માંથી તેને 22 મળતાં તે વિજેતા રહી હતી.

પીપળસટનો ઉમેદવાર માત્ર 1 મતથી વિજેતા
સંખેડા તાલુકાની પીપળસટ ગ્રામ પંચાયતમાં વોર્ડ નં.5નો ઉમેદવાર એક મતે જીત્યો હતો. વોર્ડના ઉમેદવાર લાલુભાઈ સુરેશભાઈ તડવી 1 મતે જીત્યા હતા. તેમને 43 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવારને 42 મત મળ્યા હતા. 4 મત રદ થયા હતા. ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં એક એક મત કિંમતી હોય છે જેનું આજે એક ઉદાહરણ સંખેડા તાલુકાની 35 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી દરમિયાન જોવા મળ્યું હતું.

અરીઠા વોર્ડ 4-5માં ચિઠ્ઠી ઉછાળવી પડી
સંખેડા તાલુકાની અરીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી દરમિયાન વોર્ડ 4માં ટાઈ પડી હતી. જેમાં ઉમેદવારો દક્ષાબેન તડવી અને શાંતાબેન તડવી બંને ઉમેદવારોને 29-29 મળ્યા હતા. આથી ચૂંટણી અધિકારી જીજ્ઞાશાબેને ચિઠ્ઠી ઉછાળી હતી. જેમાં દક્ષાબેન તડવીનું નામ આવ્યું હતું. જ્યારે વોર્ડ 5માં જીવણભાઈ તડવી અને સોમાભાઈ તડવીને પણ 37-37 મત મળતાં ચિઠ્ઠી ઉછાળી હતી. જેમાં જીવણભાઈ વિજેતા રહ્યા હતા.

બોડેલીના રાજપરી વોર્ડ નં .6માં ટાઈ પડી
બોડેલી તાલુકાના રાજપરી ગામની ચૂંટણીમાં કુલ 8 વોર્ડમાંથી વોર્ડ નં. 6 માં નરેશભાઈ હસમુખભાઈ બારીયા અને ઈશ્વરભાઈ મનસુખભાઇ બારીયા બંને ઉમેદવારને 35,35 મત સરખા મળતાં ટાઈ પડી હતી. જ્રયારે રદ 9 અને નોટામાં બે મત પડ્યા હતા. જેમાં બંને ઉમેદવારોની સંમતિથી વીડિયોગ્રાફી કરી ચિઠ્ઠી ઉછાળી હતી. જેમાં નરેશભાઈ બારીયાનુ નામ નીકળતાં તેઓને વિજેતા જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...