ભાજપ દ્વારા ઉમેદવારની યાદી જાહેર:સંખેડા બેઠક પર અભેસિંહ તડવીને રિપિટ કરાતા કાર્યકરોમાં ખુશી; અભેસિંહ તડવીએ કહ્યું-મેં કામ કર્યા છે એટલે મને પાર્ટીએ ટિકિટ આપી છે

છોટા ઉદેપુર21 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લાની બે બેઠક પર નામ જાહેર કર્યા છે. આજરોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અભેસિંહ તડવીને સંખેડા બેઠક પર ફરીથી રીપીટ કરાતા કાર્યકરોએ ફટાકડા ફોડીને વધાવી લીધા હતા.

સંખેડા બેઠક પર અભેસિંહ તડવીને રિપીટ કરાયાં
છોટા ઉદેપુર જિલ્લાની બે બેઠક ઉપર ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પર બે દિવસ પહેલાં જ કોંગ્રેસને રામરામ કરીને ભાજપમાં આવેલા મોહનસિંહ રાઠવાના દીકરા રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સંખેડા બેઠક પર હાલમાં કાર્યકારી ધારાસભ્ય અને 108ના હુલામણાં નામથી ઓળખાતા અભેસિંહ તડવીને રિપીટ કરાયા છે.

ભવ્ય આતશબાજી અને ફટાકડા ફોડી કાર્યકરોએ ઉજવણી કરી
ટિકિટ મળતા જ ત્રીજી વખત ધારાસભ્ય બનવા માટે તૈયારી કરતા અભેસિંહ તડવીએ જણાવ્યું કે, મેં કામ કર્યું છે અને એટલે મને પાર્ટીએ ટિકિટ આપી છે. પાંચ વર્ષ પહેલાં હું મારા કાર્યકરોની મહેનતને લીધે ચૂંટાયો હતો અને ખૂબ કામ કર્યા છે. મારી વિધાનસભા બેઠકમાં 424 ગામડા લાગે છે. લોકોની મુશ્કેલીઓ સમજી છે. એમને પાણી જોઈએ, રસ્તો જોઈએ, સ્કૂલ જોઈએ, એ બધા કામો મેં કર્યા છે. નસવાડીના કેટલાક વિસ્તારમાં રસ્તા ન હતા. તે રસ્તા મેં 14 કરોડના ખર્ચે મંજૂર કર્યા છે. મેં 500 કરોડના કામ 5 વર્ષ દરમિયાન કર્યા છે. અમારો કાર્યકર્તા દરેક યોજના લોકો સુધી પહોચાડવા માટે હંમેશા પ્રયત્નશીલ છે અને એનું પરિણામ અમને મળવાનું જ છે.

રાજેન્દ્રસિંહ રાઠવા
રાજેન્દ્રસિંહ રાઠવા

મોહનસિંહ રાઠવાના પુત્ર રાજકારણમાં સાવ નવાં
મહત્ત્વની વાત એ છે કે, છોટા ઉદેપુર વિધાનસભા બેઠક ઉપર ટિકિટને લઇને સૌથી વધુ ચરુ ઉકળી રહ્યો છે. જેમાં વર્ષોથી ભાજપનું કામ કરતા કાર્યકરોને બાજુ પર રાખીને બે દિવસ પહેલાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોહનસિંહ રાઠવાના દીકરા કે, જેઓ રાજકારણમાં હજુ એકડો પણ નથી ઘૂટ્યો તેવા સાવ નવાં ઉમેદવારને ટિકિટ ફાળવી દેતાં ભાજપના કાર્યકરોમાં જાણે સાપ સૂંઘી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...