ખુરશીઓ માથે મુકી કેજરીવાલને સાંભળ્યા:બોડેલીમાં અરવિંદ કેજરીવાલની ચાલુ સભામાં વરસાદની એન્ટ્રી, વરસતા વરસાદમાં લોકોએ સભા ન છોડી પણ ખુરશીને છતરી બનાવી ઉભા રહ્યાં

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
  • ગુજરાતીઓ માટે 10 લાખ સરકારી નોકરી લાવીશું: કેજરીવાલ
  • તમે મને વોટ આપજો, હું તમારા બાળકોનું ભવિષ્ય બનાવી દઇશ- વડોદરામાં પણ કેજરીવાલનો હુંકાર

બોડેલીના એપીએમસી મેદાનમાં આમ આદમીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે લોકો અરવિંદ કેજરીવાલને જોવા તેમજ સાંભળવા માટે આવ્યા હતા. પરંતુ અરવિંદ કેજરીવાલ આવતા જ વરસાદે પણ દેખાદિધી હતી, ત્યારે સભામાં પાછળના ભાગે બેઠેલા લોકોએ ખુરશીઓ માથે મૂકીને અરવિંદ કેજરીવાલને સાંભળ્યા હતા. આજે અરવિંદ કેજરીવાલે આદિવાસી વિસ્તારના લોકો માટે પેસા એક્ટ લાગુ કરવાની, ટ્રાઈબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન પદે આદિવાસી સમાજના વ્યક્તિને બેસાડવાની, ૩૦૦ યુનિટ વીજળી મફતમાં આપવાની અને અગાઉના બાકી બિલ માફ કરવાની તેમજ ગરીબ લોકોને મફતમાં ઘર આપવાની જાહેરાત પણ કરી હતી.

ગુજરાતીઓ માટે 10 લાખ સરકારી નોકરી લાવીશું: કેજરીવાલ
કેજરીવાલની આજની સભામાં પણ તેમણે લઠ્ઠાકાંડ, પેપરલીક, વીજળી, રોજગાર મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષ કોંગ્રેસ વિશે કહ્યું કે આ જંગ ભાજપ અને આપ વચ્ચે છે, આ વખતે કોંગ્રેસને એક પણ સીટ મળવી ન જોઈએ. પંજાબ-દિલ્હીમાં જે વિકાસ થયો તે ગુજરાતમાં પણ અમારી સરકાર લાવશે. વધુમાં જણાવ્યું હતું કે અમે ગુજરાતીઓ માટે 10 લાખ સરકારી નોકરી લાવીશું અને તેમાં આદિવાસીને ખાસ પ્રાધાન્ય અપાશે.

'તમે મને વોટ આપજો, હું તમારા બાળકોનું ભવિષ્ય બનાવી દઇશ'
વડોદરામાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, વીજળી, શિક્ષણ અને હોસ્પિટલની વાત કરો, તમે મને વોટ આપજો, હું તમારા બાળકોનું ભવિષ્ય બનાવી દઇશ. આ લોકોને વોટ આપશો તો તમારા બાળકોને ઝેરીલી શરાબ પીવડાવી દેશે. હું આ લોકો સાથે ઝઘડવા માંગતો નથી. ચૂંટણી જીતીશું દરેક ગુજરાતી મુખ્યમંત્રી બનશે. અમારી પાર્ટી દેશની પહેલી ઇમાનદાર પાર્ટી છે.

'વિધાનસભાની ચૂંટણીમાં AAP સંપૂર્ણરીતે સક્રિય'
આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતભરમાં પ્રવાસ કરીને લોકોને પોતાની તરફ ખેંચવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, અને ખાસ કરીને પહેલી વખત આપ દ્વારા આદિવાસીઓને પોતાની તરફ કરવા માટે બોડેલી વિસ્તારમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...