વિકાસકામોનું લોકાર્પણ:બોડેલી ખાતે પ્રાંત કક્ષાનો 'વિશ્વાસથી વિકાસ યાત્રા' કાર્યક્રમ યોજાયો, ગુજરાતને સ્માર્ટ રાજ્ય બનાવવાની દિશામાં ગતિવિધિ શરૂ કરાઈ: મનિષાબેન વકીલ

છોટા ઉદેપુર16 દિવસ પહેલા

દેશમાં વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાત રાજય હવે સ્માર્ટ રાજ્ય બને એવું મનોમંથન અને ગતિવિધિ શરૂ કરવામાં આવી છે, એમ રાજ્યના મહિલા અને બાળ વિકાસ અને સામાજીક ન્યાય અને અધિકારિતાના રાજ્યમંત્રી મનિષાબેન વકીલે જણાવ્યું હતું. બોડેલી ખાતે આવેલી શેઠ ટી.સી.કાપડિયા કોલેજની બાજુમાં આવેલા મેદાનમાં યોજાયેલી બોડેલી પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી મનિષાબેને જણાવ્યું હતું કે, મજબુત મનોબળ ધરાવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્રઢતાથી કામ કરે છે. સરકાર દરેક ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ હાંસલ કરતું જ રહ્યું છે. શિક્ષણના આધુનિકકરણ તરફ ડગ માંડતા સરકાર હવે સ્માર્ટ કલાસ બનાવવા જઇ રહી છે. આ ઉપરાંત તેમણે સરકાર દ્વારા સર્વ સમાજના સમતોલ વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનો પણ વિગતે ચિતાર રજૂ કર્યો હતો.

સરકાર દ્વારા સગર્ભા બહેનોને પુરતું પોષણ મળી રહે એ માટે રૂપિયા 811 કરોડની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલમાં મુકવામાં આવી છે. એમ કહી તેમણે છેવાડાના માનવીને પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય એની ચિંતા સરકાર દ્વારા કરવામાં આવે છે તે જણાવ્યું હતુ.

છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારે છેવાડાના માનવીની ચિંતા કરી છે એમ કહી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ, નલ સે જલ યોજના સહિતની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડથી અનેક લોકોની જિંદગી બચી ગઇ હોવાનું કહી તેમણે છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ગામનો યુવાન આજે કેનેડામાં પાયલોટની તાલીમ મેળવી પાયલોટ બન્યો હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ ઓ.એન.જી.સીના સહયોગથી મન:સૃષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટી.બી.ના દર્દીઓ માટે તૈયાર કરવામાં પોષણ કીટનું 700 દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બોડેલી પ્રાંત વિસ્તારમાં આગામી સમય દરમિયાન કરવામાં આવનાર વિવિધ વિભાગના 10.52 કરોડના કામોનું ખાતમુહૂર્ત તેમજ વિવિધ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવેલા 4.83 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...