જાહેરનામું:મતદાન મથકથી 100 મીટરની ત્રિજ્યામાં ચૂંટણી પ્રચાર પ્રતિબંધિત

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર અધિક જિ. મેજીસ્ટ્રટનું જાહેરનામું

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય / વિભાજન / મધ્યસ ત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી ડિસેમ્બર-2021નો કાર્યક્રમ તા.22 નવેમ્બર 2021થી જાહેર થયેલ છે. તે મુજબ છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અંગેનું મતદાન તા.19 ડિસેમ્બર 2021ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.21 ડિસેમ્બર 2021ના રોજ થનાર છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.24 ડિસેમ્બર 2021ના રોજ સંપન્ન થશે.

ચૂંટણી દરમિયાન જાહેર શાંતિ અને સલામતિ જાળવવા તથા ચૂંટણી મુકત અને ન્યાયી તથા પવિત્ર રીતે થાય એ માટે છોટાઉદેપુર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે.બારીઆએ મતદાન મથક તથા તેની નજીકમાં પ્રચાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામામાં જણાવ્યા મુજબ તા. 19 ડિસેમ્બર 2021ના રોજ મતદાનના દિવસે છોટાઉદેપુર જિલ્લાના તમામ મતદાન મથકોની અંદર તથા મતદાન મથકથી 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં આવેલ કોઇ જાહેર કે ખાનગી સ્થળે કોઇ પણ વ્યક્તિએ ચૂંટણીમાં કોઇ પણ વ્યક્તિને તેનો મત આપવા સમજાવી શકાશે નહીં. ચૂંટણીમાં કોઇ પણ વ્યક્તિને તેનો મત ન આપવા માટે સમજાવી શકાશે નહીં. ચૂંટણીમાં કોઇ પણ રીતે કોઇ વ્યક્તિના મતદાનને અસર પહોંચાડવાની કોશિશ કરવી નહીં. મત માટે પ્રચાર કરી શકાશે નહીં. કોઇ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરી શકાશે નહીં. અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઇ મતદારને સમજાવી શકાશે નહીં. ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઇ નોટીસ કે નિશાનીઓ પ્રદર્શિત કરવી નહીં.

સેલ્યુલર ફોન, હેન્ડસેટ વોકીટોકી, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઇ જઇ શકાશે નહીં. મતદાન મથકની હદમાં સંબંધિત મતદાર, ઉમેદવાર કે તેના અધિકૃત ચૂંટણી એજન્ટ, ઉમેદવારોના અધિકૃત પોલીંગ એજન્ટો,ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ કર્મચારીઓ તથા અધિકારીઓ તથા ચૂંટણી પંચ તરફથી અધિકૃત કરેલ વ્યકતિઓ સિવાયની વ્યક્તિ પ્રવેશી શકશે નહીં. આ આદેશનો ભંગ કરીને જો કોઇ વ્યક્તિ પાસે મોબાઇલ,સેલ્યુલર ફોન, હેન્ડસેટ વોકીટોકી,કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે જેવા સાધનો મળી આવશે તો સ્થળ પરના સુરક્ષા અધિકારીઓ આ સાધનો જપ્ત કરી શકશે. આ આદેશ તા. 19 ડિસેમ્બર 2021ના રોજ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર દંડને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...