ભાસ્કર વિશેષ:જબુગામમાં 9 દિવસીય કથાના પ્રારંભે પોથીયાત્રા નીકળી

જબુગામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોથીયાત્રામાં રથ, ભજન મંડળીઓ સાથે મોટી સંખ્યામાં ધર્મપ્રેમીજનો જોડાયાં

બોડેલી તાલુકાના ધર્મપ્રિય એવા જબુગામમાં આવેલા અયોધ્યાધામ ખાતે નવ દિવસીય શ્રીરામ અલૌકિક દિવ્ય કથાના પ્રારંભે ભવ્ય પોથીયાત્રા યોજાઇ હતી. જબુગામના રામાયણ રામ કથા પારાયણ સેવા સમિતિ તેમજ જબુગામ મહિલા મંડળ સહિત જબુગામના સમસ્ત ગ્રામજનો દ્વારા રઘુકુલ ધામ ખાતેના શ્રી દ્વારકાધીશ મંદિરના ચોગાનમાં તા. 4થી 12 જાન્યુઆરી સુધી શ્રીરામકથાનુ ભવ્ય આયોજન કરાયું છે. ત્યારે કથાના મંગલમય આરંભ સાથે જબુગામ નગરના રાજમાર્ગો ઉપર ભવ્ય પોથીયાત્રા યોજાઇ હતી. પોથીયાત્રામાં રથ, ભજન મંડળીઓ સાથે મોટી સંખ્યામાં ધર્મપ્રેમીજનો જોડાયા હતા. ભવ્ય કથા મંડપમાં ધ્વજારોહણ અને દીપ પ્રાગટ્ય 1008 શ્રી વેકટેશાચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.

મીનાબેન ભટ્ટના ઘરેથી નીકળેલી પોથીયાત્રામાં ધાર્મિક મહિલા મંડળો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કળસધારી બહેનો તેમજ બેન્ડવાજા સાથે કીર્તન કરતા પોથીજીની ભવ્ય પધરામણી કથા મંડપમાં કરવામાં આવી હતી. 9 દિવસ સુધી ચાલનારી શ્રી રામ કથામા રામ જન્મ ઉત્સવ, સીતારામ વિવાહ, રામ રાજ્યાભિષેક સહિત જબુગામની ધાર્મિક પાવન ભૂમિ પર તિલકવાડાના કથાકાર શ્રી વિરંચિપ્રસાદ શાસ્ત્રીજી દ્રારા જબુગામના ધાર્મિક ઉત્સવ પ્રિય નગરમા જ્ઞાન, ભક્તિ અને ધર્મની શ્રીરામકથાનું ભવ્ય આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે અયોધ્યાધામના કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીજીની અમૃતવાણીનો લાભ શ્રોતાજનો લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...