ઓનલાઇન નોંધણી:ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરાશે

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ 31 ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે
  • નોંધણીમાં પડતી મુશ્કેલી બાબતે હેલ્પલાઇન નંબર 85111 71718 તથા 8511171719 સંપર્ક કરવો

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ ગાંધીનગર દ્વારા ડાંગર, મકાઇ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. છોટાઉદેપુરના ખેડૂતો કે જેઓ પોતાની જણસ ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેમણે તા. 31/ઓક્ટોબર 2021 સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. સરકાર દ્વારા અગાઉ તા. 1 ઓક્ટોબર 2021થી તા. 16 ઓક્ટોબર 2021 સુધી નોંધણીની મુદ્દત રાખવામાં આવી હતી. જે મુદ્દત વધારીને તા. 31 ઓક્ટોબર 2021 કરવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ગ્રામ પંચાયતના વી.સી.ઇ મારફતે તેમજ તાલુકા કક્ષાએ એ.પી.એમ.સી ખાતે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ખેડૂતોએ ઓનલાઇન નોંધણી માટે આધારકાર્ડની નકલ, 7-12 અને 8-અ, નમૂના નંબર 12માં પાક વાવણી અંગે નોંધ ન હોય તો તલાટીના સહી સિકકા સાથેનો દાખલો, પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે. નોંધણી કરાવતી વખતે તમામ દસ્તાવેજો સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેુલા ખાસ કાળજી રાખવાની રહેશે.

દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જો ભળતા જ દસ્તાવેજો કે ખોટા દસ્તાવેજો અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો ક્રમ રદ થયેલો ગણાશે અને ખરીદીની જાણ કરવામાં આવશે નહીં. નોંધણી બાબતે કોઇ પણ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 85111 71718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે વી.સી.ઇને કોઇપણ રકમ ચૂકવવાની રહેશે નહીં તેની ખાસ નોંધ લેવા નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-2) વડોદરા અને છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...