હાલાકી:પુનિયાવાટ ગામે ગરનાળામાંથી પાણીનો નિકાલ નહીં થતા રોષ

છોટાઉદેપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ગામમાંથી પસાર થતા રેલવેના ગરનાળામાં પાણી ભરાઈ રહેતા પ્રજાને પડી રહેલી હાલાકી. - Divya Bhaskar
છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ગામમાંથી પસાર થતા રેલવેના ગરનાળામાં પાણી ભરાઈ રહેતા પ્રજાને પડી રહેલી હાલાકી.
  • પ્રજાને ગંદા કીચડવાળા પાણીમાંથી પસાર થવાનો વારો
  • 15 દિવસથી સમસ્યા યથાવત : પાણીનો નિકાલ કરવા માગ

છોટાઉદેપુર તાલુકામાં આવેલ પુનિયાવાટ ગામ ખાતે પટેલ ફળીયા તરફ જતા એક રેલવે ફાટક આવેલ છે. જ્યાં વાહનોને પસાર થવા ગરનાળુ બનાવ્યું છે. પરંતુ ગરનાળામાં વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા માર્ગ ઉપર આવતા ગામના લોકોને તથા શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાત્કાલિક પાણીનો નિકાલ કરવામા ન આવતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 15 દિવસથી સમસ્યા યથાવત છે. પ્રજા આ અંગે માંગ કરી રહી છે. પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે પુનીયાંવાટના પટેલ ફળીયા જતા માર્ગ ઉપર મોડેલ સ્કૂલ પણ આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને શિક્ષકોનો સ્ટાફ પણ આજ રસ્તે સ્કૂલમાં જતો હોય છે. જેઓને ગરનાળામાં પાણી ભરાઈ રહેતા અવર જવર કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે. હાલ વરસાદે વિરામ લીધો છે. પરંતુ ગરનાળામાં પાણી હજુ પણ ભરાઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગ જિલ્લાના એકલબારા ગામ ખાતે બનાવેલી જિલ્લાની મુખ્ય આરટીઓ કચેરીને મળે છે. વહેલા પહોંચવા તથા સમયનો બગાડ ન થાય તે હેતુથી જિલ્લાની પ્રજા અવર જવર અર્થે આ રસ્તો પસંદ કરે છે. પરંતુ પ્રજાની તકલીફો અંગે તંત્ર બેદરકાર હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે અંગે પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેમ પ્રજા ઈચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે...