તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:છોટાઉદેપુરના 10.30 લાખ પૈકી 5.14 લાખને પ્રથમ, 1.79 લાખને રસીનો બીજો ડોઝ અપાયો

છોટાઉદેપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં રસી અંગેની ગેરમાન્યતા દૂર થતાં લોકો સ્વયંભૂ આગળ આવ્યાં

સમગ્ર રાજયમાં ચાલી રહેલા કોવિડ- 19 કોરોના વાયરસ રસીકરણ મહાભિયાન દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં 18થી વધુની વયના કુલ 10,30,229 લોકો પૈકી 5,14,362ને કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ અને 1,79,156ને કોરોના વાયરસ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગ તરફથી જણાવાયું છે.

કોરોના વાયરસ રસીકરણની શરૂઆતમાં હેલ્થ વર્કરોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફ્રન્ટલાઇન વર્કર, સાંઠ વર્ષથી ઉપરના નાગરિકો, 45 વર્ષથી ઉપરના નાગરિકો અને હવે 18 વર્ષથી ઉપરના નાગરિકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ તથા જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશભાઇ ચૌધરી અને તેની ટીમ દ્વારા જિલ્લામાં વધુમાં વધુ રસીકરણ થાય એ માટે ભારે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ જિલ્લાના વધુમાં વધુ લોકો રસીકરણ કવચથી સુરક્ષિત બની કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષણ મેળવે એ માટે લોકોમાં જાગૃતિ આણવાના પ્રયાસોના ફળશ્રુતિ સ્વરૂપે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગ્રામજનો દ્વારા રસીકરણની કામગીરીને બહોળો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના વાયરસની રસી અંગે લોકોમાં પ્રવર્તતી ગેરમાન્યાતાઓને દુર કરવામાં આવતા જિલ્લાના પ્રજાજનો હવે રસીકરણ માટે સ્વયંભૂ આગળ આવી રહ્યા છે.

કોરોના વાયરસ રસીકરણના મહાભિયાન દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ વર્ગોના લોકોને રસીકરણ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગના પ્રયાસોને કારણે છોટાઉદેપુર જિલ્લાના 100થી વધુ ગામોનું 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.

નજીકના ભવિષ્યમાં જ ત્રીજી લહેર આવવાની સંભાવના નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગે જિલ્લાના 5,14,362 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1,79,156 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપી રક્ષાકવચ પુરૂં પાડવામાં આવ્યું છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે રસી એકમાત્ર વિકલ્પ હોય છોટાઉદેપુરના વધુમાં વધુ લોકો રસીકરણ કરાવી કોરોના વાયરસના સંક્રમણથી બચે એવી અપેક્ષા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...