વેપાર:છોટાઉદેપુરની પ્રખ્યાત રંગોળીનો માત્ર 20% જ ધંધો થયો

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરમાં વેચાતી વિવિધ રંગની રંગોળી. - Divya Bhaskar
છોટાઉદેપુરમાં વેચાતી વિવિધ રંગની રંગોળી.
  • હાલ માલની ડિમાન્ડ વધી પણ કાચો માલ ન હોવાથી ફેક્ટરી માલિકો મૂઝવણમાં મુકાયા

છોટાઉદેપુર તાલુકા તથા આસપાસના વિસ્તારમાં આવેલ ડોલોમાઈટ ફેકટરીઓ દ્વારા 8 હજાર ટન જેટલી દિવાળી પર્વમાં દર વર્ષે 22 જેટલા કલરોની રંગોળી બનાવવામાં આવે છે. જે દિવાળીમાં ઘર આંગણે પુરાય છે. પરંતુ તેમા પણ ચાલુ વર્ષે મંદી જોવા મળી રહી છે. હાલ માલની ડિમાન્ડ વધી છે. પણ કાચો માલ ન હોવાથી કલર રંગોળી બનાવી શકાય તેમ નથી. જેના કારણે ફેકટરી માલિકો મૂંઝવણમાં મુકાયા છે.છોટાઉદેપુર ડોલોમાઈટ ફેક્ટરીઓમાંથી દર વર્ષે 22 જેટલા કલરની રંગોળી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કુલ 8 હજાર ટન જેટલી રંગોળી સપ્લાય થાય છે.

પરંતુ ચાલુ વર્ષે માત્ર 20 ટકા ધંધો થયો છે. ડોલોમાઈટ ફેકટરી માલિકોના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં લોકડાઉન સમયથી ધંધા ઉપર માઠી અસર પડી છે. અનલોક થતા પુનઃ ધંધા શરૂ થયા હતા ત્યારે 1 મહિના જેવો સમય તંત્ર દ્વારા જૂનો સ્ટોક ન ઉઠાવવાની સૂચનાને કારણે ફેકટરીઓ બંધ રહી હતી અને ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરો અન્ય જગ્યાએ મજૂરી અર્થે જતા રહ્યા હતા. હાલ મજૂરોની સંખ્યા ઓછી છે. દિવાળી નજીકના દિવસોમાં આવી રહી છે. ત્યારે બીજી તરફ વહેપારીઓ પાસે કાચો માલ પણ નથી અને બજારમાં રંગોળીની ડિમાન્ડ વધી છે. રંગોળીના ધંધાને લગતા વહેપારીઓ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ચાલુ વર્ષે માત્ર 20 ટકા પ્રોડક્શન થયું છે. હવે રંગોળી બની શકે તેવી શક્યતાઓ નથી તેમ વહેપારીઓ જણાવી રહ્યા છે.

સ્ટોકના અભાવે આ મહિનામાં ગત વર્ષ જેટલું પ્રોડક્શન થયું નથી
દર વર્ષે જે પ્રોડક્શન થાય છે તે આ વર્ષે સ્ટોકના અભાવે થઈ શક્યું નથી. અગાઉ 1 મહિનો ફેકટરીઓ બંધ રહેતા મજૂરો પણ મળતા નથી.

અન્ય સમાચારો પણ છે...