આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાસાનાં તહેવારમાં દેવનાં દિવસે વાઘણ દેવની પૂજા વિધી કરાય છે. જેમાં એક પુરુષ વાઘ બને તો એક પુરુષ બિલાડી બને છે. જેઓને દૂધ પીવડાવી, બન્નેને કાદવનાં લાડુ મારીને ભગાડવામાં આવે છે. આદિવાસી સમુદાયમાં દિવાસાનો તહેવાર એટલે ગામની સીમમાં બિરાજમાન દેવોને પૂજવાનો તહેવાર માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસીઓનાં મોટા ભાગના દેવી દેવતાઓ જંગલ અને પહાડોમાં વર્ષોથી સ્થાપિત કરવામાં આવેલાં હોય છે.
જે દેવોને દિવાસાનાં તહેવાર દરમિયાન, ‘વાઘ બિલાડી’ની એક વિશિષ્ટ પ્રકારની પૂજા વિધિ કરવામાં આવે છે. આદિવાસી સમાજનાં પૂર્વજો સદીઓ પહેલાથી દિવાસાની ઉજવણી કરાય છે. તેઓ જમીન પર ઉગી નીકળેલાં ઘાસના દેવ ‘નોદરવા’ દેવને પૂજતા, અને પ્રાર્થના કરતાં કે જમીન પર સારું એવું ઘાસ ઉગે, જેથી પશુઓ સારી રીતે હરી ફરી ને ચરી શકે, તો ખેતરોમાં ઉગી નીકળેલા ઘાસને ઉખેડવાની પણ નોધર દેવ સમક્ષ મંજૂરી મેળવે છે, અને દિવાસા બાદ ખેતરોમાં ઉગી નીકળેલાં ઘાસનું નિંદામણ કરવામાં આવે છે.
એક વાયકા મુજબ ગામ લોકો વાઘણ દેવનંુ નામ પાડીને બકરાંની બલિ આપતાં હતા. ત્યારે વાઘણ હજારો માણસોની વચ્ચે આવીને બકરાંને ઉંચકી લઇને જતી રહેતી હતી. અને વાઘણ દેવનાં દિવસે દેવસ્થાને આવીને બલિ ચઢાવેલ બકરો લઇ જાય તેને શુભ માનવામાં આવતું હતું. એવી આદિવાસી સમજમાં માન્યતા હતી.
જે માન્યતા મૂજબ આજે પણ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આ અનોખી પરંપરા જોવા મળી રહી છે. પરંતુ સમય બદલાતાં, ધીમે ધીમે વાઘ દેવના દિવસે બકરો લેવા આવવાનું બંધ થતાં, હવે વાઘ હકીકતમાં આવતો નથી, એટલે ગામ લોકો વાઘ બિલાડી બનીને નાટક ભજવે છે. આમ દિવાસાએ વાઘ બિલાડીની વિધિ કરાતી હોવાનું જામલી ગામના સામજિક કાર્યકર્તા ટીનાભાઈ ભીલ જણાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.