પ્રથમ દિવસે વેક્સિન માટે ઉત્સાહ:ના ભય, ના ડર, હસતા ચહેરે 9937 છાત્રોએ વેક્સિન લીધી

છોટાઉદેપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 15 થી 18 વર્ષના કિશોરોને કોરોના વિરોધી રસી મૂકવાના શ્રીગણેશ
  • ​​​​​​​169 શાળાઓમાં અભ્યાસ કરતા 36163 વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવશે
  • ​​​​​​​​​​​​​​છોટાઉદેપુર 3300,પાવીજેતપુર 1693,નસવાડી 1474,સંખેડા 748,બોડેલી 1922,કવાંટ 800

વિશ્વમાં વકરતા જતા કોરોના તથા ઓમિક્રોનના કેસોએ હાહાકાર મચાવ્યો છે. એક્સપર્ટ ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે પણ વધુ ઘાતક હોઇ તેના બચાવ અંગે સરકારે 15થી 18 વર્ષના તમામ બાળકોને કોરોના વિરોધી રસી મુકવાનું એલાન કર્યું છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાની તમામ 169 શાળાઓમાં અભ્યાસ કરતા 18218 કિશોર અને 17945 કન્યાઓ મળી કુલ 36163 બાળકોને રસી અપાશે. એ ઉપરાંત જિલ્લામાં 65 હજાર બાળકોને કોરોના વિરોધી રસી આપવાનો લક્ષ્યાંક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુકાયો છે.

જે અંગે સોમવારે સવારે 8:00 વાગ્યાથી આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘે છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ કેમ્પસમાં ઉપસ્થિત રહી રસીકરણ મહાભિયાનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.જિલ્લામાં સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં 9937 બાળકોને રસી અપાઇ હતી. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર શહેરમાં પાલિકા વિસ્તારમાં આવેલ તમામ શાળાઓના 15થી 18 વર્ષના 800 બાળકોને સોમવારે કોરોના વિરોધી રસી અપાઇ હતી.

પાવીજેતપુર તાલુકાના 1693 જેટલાં વિદ્યાર્થીઓ કોરોનાથી સુરક્ષિત થયાં
પાવીજેતપુર તાલુકાની 22 જેટલી શાળાઓના 5053 વિદ્યાર્થીઓ તેમજ અભ્યાસ છૂટી ગયેલા હોય તેવા 15+ના 1560 મળી કુલ 6613 વિદ્યાર્થીઓનું રસીકરણ કરવાનું આયોજન છે. ત્યારે તાલુકામાં 41 ટીમો બનાવી 18 મેડિકલ ઓફિસર સાથે રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરાઇ છે. જેમાં 1693 જેટલા 15+ બાળકોને રસી આપવામાં આવી છે.

બોડેલીની 3 સ્કૂલમાં 717 કિશોરોએ પ્રથમ દિવસે ઉત્સાહભેર રસી મૂકાવી
બોડેલી તાલુકામાં 31 સ્થળે 15+ના કિશોરો માટે પ્રથમ દિવસે એક સાથે રસીકરણ અભિયાન ચાલ્યું હતું. તેમાં બોડેલીની શીરોલા સ્કૂલમાં ધો.12ના છાત્રોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. અહીં 505 છાત્રોએ રસી લીધી હતી. જ્યારે અલીપુરાની ખત્રી વિદ્યાલયમાં 133 અને બોડેલીની સેફાયર સ્કૂલમાં 74એ રસી લીધી હતી.

છોટાઉદેપુર જિલ્લામાં 150થી વધુ રસીકરણ કેન્દ્રો પર વેક્સિનેશન
જિલ્લામાં 150થી વધુ સાઇટ પર રસીકરણ કરાઈ રહ્યું છે. શાળાઓમાં, CHC, PHC તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. 15થી 18 વર્ષના બાળકોને રસી લેવા માટે તેમજ વાલીઓને પણ રસીકરણમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે. > સ્તુતિ ચારણ, જિલ્લા કલેક્ટર

બાળકોેને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા શિક્ષકો, નોડલ અધિકારીએ ગીતો ગાયાં
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેની શિરોલાવાલા હાઇસ્કૂલમાં કોરોનાની રસી મુકતા પહેલા વિદ્યાર્થીઓને શિક્ષકોએ ગીતો ગાઇ પ્રોત્સાહીત કર્યા હતા. રસી મુકાવ્યા બાદ વિદ્યાર્થિનીઓએ પણ ગીતો ગાયા, નોડલ ઓફિસરે પણ ગીતો ગાયા હતા. વિદ્યાર્થીઓને ગીતો ગાઇને શિક્ષકો પ્રોત્સાહિત કરતા હોવાની જાણ થતાં જિલ્લા વિકાસ અધિકારી પણ અત્રે આવ્યા હતા અને આ જોઇને તેઓ પણ ખુશ થયા હતા.

વેક્સિન લીધા બાદ જાણે ઇડરિયો ગઢ જીત્યા હોય એવી અનુભૂતિ વિદ્યાર્થીઓએ અનુભવી
સંખેડા તાલુકામાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રસીકરણ કરાવ્યું હતું. હસતા ચહેરે વિકટરીની નિશાની બતાડી રસીકરણ કરાવ્યું હતું. ના ભય ના ડર, હસતા ચહેરે તેમણે વેક્સિન લીધી હતી અને કેટલાકે સેલ્ફી લઇ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. જેમાં શાળામાં ઓફ લાઇન શિક્ષણ ચાલુ રાખવા તો કોઇએ વેક્સિનેશન માટે સરકારનો આભાર માન્યો, તો કોઇએ હવે તેઓ પણ સલામત બન્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, તાલુકાની વિવિધ શાળામાં રસીકરણ યોજાયું હતું.

શાળામાં સૌ પ્રથમ મેં રસી લીધી, સૌએ લેવી જોઇએ
આજે અમારી સ્કૂલમાં કોરોનાની રસી મુકવાનો કાર્યક્રમ યોજાયો છે. શાળામાં સૌ પ્રથમ મેં રસી લીધી છે. બધા વિદ્યાર્થીઓએ રસી મૂકાવવી જોઇએ. > સુથાર દિયા, વિદ્યાર્થિની

ઓફલાઇન શિક્ષણને ચાલુ રાખવું જોઇએ
એક વિદ્યાર્થિની પંડ્યા એકતાએ જણાવ્યું કે, ‘વેક્સિન પછી સારંુ લાગે છે. ઓફલાઇન શિક્ષણને ચાલુ રાખવું જોઇએ. જ્યારે એક વિદ્યાર્થિની ઉપાધ્યાય નેત્રાએ જણાવ્યું હતું કે, ‘મેં વેક્સિન લીધી છે. તેનાથી કોઇને કશું થતું નથી. અમોને વેક્સિન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇનો આભાર.’​​​​​

અન્ય સમાચારો પણ છે...