રાજકારણમાં ફરી ગરમાવો:છોટાઉદેપુર પાલિકા પ્રમુખ સામે ફરી 20 સભ્યોની અવિશ્વાસની દરખાસ્ત

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નરેન જયસ્વાલ વિરુદ્ધ પાલિકાના 20 સભ્યોએ ફરી અવિશ્વાસની દરખાસ્ત મૂકી. - Divya Bhaskar
નરેન જયસ્વાલ વિરુદ્ધ પાલિકાના 20 સભ્યોએ ફરી અવિશ્વાસની દરખાસ્ત મૂકી.
  • અપક્ષના 5, ભાજપના 4, કોંગ્રેસના 7, ‌BTPના 2, BSPના 2 સભ્યોની દરખાસ્ત
  • પાલિકા પ્રમુખ આપખુદ શાહી મુજબ ગેર વહીવટ કરતા હોવાની રાવ

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ વિરુદ્ધ શનિવારે નગરપાલિકાના ચૂંટાયેલા 28માંથી 20 જેટલાં બહુમતી સભ્યોએ ફરી અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જેનાથી છોટાઉદેપુરના સ્થાનિક રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો હતો. અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરતા પ્રજામાં અંદરો અંદર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. અને સમગ્ર નગરમાં ખળભળાટ મચી ગયો હતો.

નગરપાલિકાના બહુમતી સભ્યો જેમાં અપક્ષના 5, ભાજપના 4, કોંગ્રેસના 7, બિટીપીના 2 અને બીએસપીના 2 સભ્યોએ પાલિકા પ્રમુખ નરેન જયસ્વાલ સામે જે અવિશ્વાસ દરખાસ્ત મૂકી તેમાં જણાવ્યું છે કે નગરસેવા સદનના પ્રમુખ આપખુદ શાહી મુજબ ગેર વહીવટ કરી રહેલ છે. આથી અમો પ્રમુખ ઉપરથી વિશ્વાસ ગુમાવી દીધેલ છે. જેથી છોટાઉદેપુર નગર સેવા સદનની ખાસ સામાન્ય સભા બોલાવવી તેમ આપેલ અવિશ્વાસ દરખાસ્ત પત્રમાં જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે મુકવામા આવેલી અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખની સામે બીજી અવિશ્વાસ દરખાસ્ત છે. અગાઉ દરખાસ્ત મુકી ત્યારે નામદાર હાઈકોર્ટે પ્રમુખને એક વર્ષનું રક્ષણ આપ્યું હતું. પ્રમુખની મુદતને એક વર્ષ પતી જતા અને સસ્પેન્ડ થયેલા પ્રમુખે પ્રમુખ તરીકેનો ચાર્જ લેતાની સાથે જ નગરપાલિકાના 28માંથી 20 સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મૂકતા બસપાના પ્રમુખ સંપૂર્ણ લઘુમતીમાં આવી ગયા છે.

નગરપાલિકામાં હાલમાં જ બસપાના ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ ગઈ છે. પરંતુ ઉપ પ્રમુખ આ અંગે હાઇકોર્ટના દ્વારે ગયા છે. નરેનભાઈ જયસ્વાલ સામે અગાઉ અવિશ્વાસ દરખાસ્ત મુકાઈ ત્યારે નામદાર હાઇકોર્ટના એક વર્ષના રક્ષણને લીધે પ્રમુખ બચી ગયા હતા. હાલમાં પ્રમુખ સામે 28માંથી 20 સભ્યોએ સહી કરીને અવિશ્વાસ દરખાસ્ત મૂકતા નગરનું રાજકીય વાતાવરણ ગરમાઇ ગયું છે.

પ્રમુખે એવું તે શું કામ કર્યું કે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકાઈ
વિશ્વાસ દરખાસ્ત અંગે પૂર્વ પ્રમુખ અને હાલના પાલિકા સભ્ય સંગ્રામસિંહ રાઠવાએ ફોન ઉપર જણાવ્યું હતું કે હાલના પ્રમુખનું એવું તે કયું કામ બોલે છે? કે જેને કારણે અગાઉ 28માંથી 25 સભ્યો એમની સામે થઈ ગયા હતા. અને હાલમાં 28માંથી 20 સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મૂકી છે.

હાલના પ્રમુખે સભ્યોમાં ફાટફૂટ પાડવા સિવાય કોઈ કામ કર્યા નથી
હાલના પ્રમુખે સભ્યોમાં ફાટફૂટ પાડવા સિવાય કોઈ કામ કર્યા નથી. એટલે જ અપક્ષ સહિત તમામ પાર્ટીઓ એમની સામે અવિશ્વાસ દરખાસ્ત મુકી છે. જો શાસન બદલાશે તો વર્તમાન પ્રમુખના શાસનમાં થયેલા તમામ કામોની સમીક્ષા કરવામાં આવશે. > પ્રશાંતભાઈ પટેલ, છોટાઉદેપુર નગરપાલિકાના સભ્ય

અન્ય સમાચારો પણ છે...