જિલ્લામાં ચોમાસુ જામ્યું:છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ બોડેલી તાલુકામાં વરસાદ : બોડેલી-પાવીજેતપુરમાં 4 ઇંચ વરસાદ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘાની ધમાકેદાર એન્ટ્રીથી ઠેરઠેર પાણી, ખેડૂતો ખુશખુશાલ

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં શુક્રવારે સવારથી મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું હતું. જેમાં સૌથી વધારે વરસાદ બોડેલી તાલુકાનો 99 મિમી નોંધાયો હતો. આ વરસાદથી ભારે ઉકળાટ અને બફારાંથી જિલ્લાવાસીઓને રાહત થઈ હતી.સાથેસાથે ખેડૂતોમાં પણ અત્યંત ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ બપોર પછી વરસાદે વિરામ લેતા ફરી ઉકળાટનો અનુભવ પણ થતો હતો. ઉલ્લેખનીય છેકે છોટાઉદેપુર નગરમાં પણ ભારે વરસાદ થતાં નગરમાં આવેલી નિઝામી સોસાયટીમાં ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા હતા.

જેનાથી સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. શુક્રવારે સવારથી છોટાઉદેપુર જિલ્લામાં મેઘ મહેર જોવા મળી હતી. જેનાથી ખેડૂતો હવે ડાંગરની રોપણી કરવામાં તથા નીંદામણની કામગીરીમાં જોતરાઇ જશે. હાલના તબક્કે વરસાદની શરૂઆત સારી થઈ છે. તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. 6 તાલુકાઓના સમગ્ર ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ છે. જિલ્લામાં હજુ પણ ભારે વરસાદ થશે તેમ લાગી રહ્યું છે. 12 કલાકમાં સૌથી વધુ બોડેલી તાલુકામાં 99 મિમી અને સૌથી ઓછો વરસાદ કવાંટ તાલુકામાં 17 મિમી નોંધાયો હતો.

જિલ્લામાં ભારે વરસાદને પગલે બોડેલી તાલુકામાંથી પસાર થતી મેરિયા નદીમાં પૂર આવ્યું
શુક્રવારે વહેલી સવારથી ભારે વરસાદ પડતાં બોડેલી તાલુકામાંથી પસાર થતી મેરિયા નદીમાં સાંજના સમયે પૂર આવ્યું છે. જેના કારણે જબુગામથી બોડેલી વિસ્તારની રેતીની લીઝો બંધ કરવી પડી હતી. નજીકના તૂટેલા કોઝવે ઉપરથી પાણી પસાર થતાં 15 ગામોના લોકોને તકલીફ પડશે.

સીઝનનાં પહેલી વખત કરાલી ગામ પાસેનો એના કોતર પરનો ચેકડેમ ઓવરફ્લો થયો
સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે એના કોતર પરનો ચેકડેમ સીઝનમાં પહેલી વખત જ ઓવરફ્લો થયો હતો. અહીંયા ચેકડેમ ઓવરફ્લો થતા માછલી પકડવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે ચેકડેમ ઓવરફ્લો થતાં મનમોહક દ્રશ્ય જોવા મળ્યું હતું.

પરા-આસગોલ વચ્ચે હેરણ નદીમાં પાણી આવતાં બંને ગામો સંપર્ક વિહોણા બન્યાં
ડભોઇ તાલુકાના મેવાસ વિસ્તારમાં આવેલા પરા અને આસગોલ ગામ વચ્ચેથી પસાર થતી હેરણ નદીમાં ઉપરવાસના વરસાદને લઈને પાણી આવતા છલિયા પર પાણી ફરી વળતા બંને ગામો એકબીજાથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. જેની સીધી અસર એક ગામોમાં રહેતા 600 જેટલા રહીશો શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ખેડૂતો પર જોવા મળી રહી છે. પરા અને આસાગોલ ગામ વચ્ચેથી પસાર થતી હેરણમાં આવતા પૂરની સમસ્યા વર્ષોથી ઘર કરી ગયેલી છે. જેનો ભોગ છેલ્લા બે દિવસથી ચાલુ સાલે પણ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ અગાઉ વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પુર ટાણે જ સ્થળ સ્થિતિની મુલાકાત લઇ તાત્કાલિક અસરથી તંત્રને ત્યાં બોલાવી આ સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના તંત્રને આપી હતી પરંતુ હજુ એ જ સ્થિતિ છે.

શિનોરમાં મોડી રાત્રીથી વહેલી સવાર સુધી 2 ઇંચ વરસાદ ખાબક્યો
શિનોર પંથકમાં મનમૂકીને વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશાલી વ્યાપી છે. શિનોર ગામના બજારો અને મુખ્ય માર્ગ પર પાણી પાણી થતાં રોડ રસ્તા ધોવાઈને ચોખ્ખા થઈ ગયા હતા. ગુરુવારે રાત્રિએ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. શિનોરમાં પહેલો વરસાદ મન મૂકીને વરસતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા માર્ગો પરની ગંદકી ધોવાઇને માર્ગ ચોખ્ખા થઈ ગયા હતા.

જબુગામ પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ઠેર ઠેર પાણી ભરાયાં
બોડેલી તાલુકાના જબુગામ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટ બફારાથી ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા. શુક્રવારે સવારથી જ વરસાદ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. સાથે સાથે ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેધરાજાએ ધીમી ધારે મન મૂકીને વરસવાનું શરૂ કરતાં ગણતરીમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.

વઘાચ ગામે વરસાદમાં વૃક્ષ પડતાં વીજલાઈન જમીનદોસ્ત
નસવાડીના વઘાચ ગામે વહેલી સવારે એક વૃક્ષ ચાલુ વીજલાઈન પર પડતાં 2 વીજપોલ તૂટીને જમીનદોસ્ત થયા હતા. ગ્રામજનો ઘરોમાં મીઠી નિંદર માણતા હતા ત્યારે જ અચાનક ધડાકો થતાં લોકો ભયભીત બન્યા હતા. જો આ વીજ લાઈન દિવસે પડી હોત તો મોટી ઘટના બની શકત. વીજપોલ રોડ વચ્ચે પડતાં કલાકો સુધી રસ્તો બંધ રહ્યો હતો.

પાદરા વડુ પંથકમાં ધીમીધારે વરસાદ, 12 કલાકમાં 5 મિમી
પાદરા વડુ પંથકમાં ચોમાસાની ઋતુનો માહોલ જામ્યો છે. હવામાન ખાતાની આગાહીના પગલે ગુરુવારની રાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. હવે વિધિવત ચોમાસાની ઋતુની શરૂઆત થઈ હોય તેવું દ્રશ્ય લાગતું હતું. કાળા ડિંબાગ વાદળો વચ્ચે સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. શુક્રવારે દિવસ ભર 5 મિમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે આ વરસાદથી હવે ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે.

કરજણ પંથકમાં ગુરુવારે રાત્રે દોઢ ઈંચ વરસાદ વરસ્યો
કરજણમાં ગુરુવારની મોડી રાત્રે વરસાદ પાડ્યો અને આખી રાત વરસાદ પડવાથી રાત્રી દરમિયાન દોઢ ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો. જ્યારે કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલી માર્વેલ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઇ જવા પામ્યા હતા. વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થવાથી અને ગટરો થયો હોવાથી સોસાયટીમાં પાણી ભરાતા રહીશો અને સ્કૂલે જતા છોકરાઓને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

જિલ્લામાં પડેલ વરસાદના આંકડા
8 જુલાઈનોસીઝનનોએવરેજવરસાદની
વરસાદવરસાદવરસાદટકાવારી
છોટા ઉદેપુર30 મિમી85 મિમી968 મિમી8.47 %
પાવી જેતપુર95 મિમી157 મિમી1055 મિમી14.88 %
બોડેલી99 મિમી166 મિમી1219 મિમી13.62 %
સંખેડા71 મિમી158 મિમી1199 મિમી13.18 %
નસવાડી28 મિમી115 મિમી917 મિમી12.54 %
કવાંટ17 મિમી98 મિમી985 મિમી9.95 %

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...