તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:છોટાઉદેપુર નગરમાં ગટરો ઉભરાતાં 15 હજારથી વધુ લોકો રોગચાળાના ભયમાં

છોટાઉદેપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરમાં ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાતા ભારે દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે. - Divya Bhaskar
છોટાઉદેપુરમાં ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાતા ભારે દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે.
  • સેફ્ટી ટેન્કના સીધા કનેક્શન ભૂગર્ભ ગટરોમાં આપી દેવાતાં ગટરો ઉભરાય છે
  • હરિઓમ સોસા., રાણી બંગલા, મંગળ બજાર, નજરબાગ, જેલ રોડ પર ગંદકી

છોટાઉદેપુર નગરમાં ફારસ રૂપ સાબિત થયેલી ભૂગર્ભ ગટરો ઉભરાતા પ્રજા ભારે ત્રાહિમામ પોકારી ઉઠી છે. ગટરોનું ઉભરાતું ગંદુ પાણી બહાર આવતા ભારે દુર્ગંધથી આખા નગરમાં ભારે સમસ્યાનો વિષય બન્યો છે. નગરમાં આવેલ ઘણા વિસ્તારોમાં સેફટી ટેન્કના સીધા કનેક્શન ભૂગર્ભ ગટરોમાં આપી દેતા ગટરોની સાફસફાઈ ન થતા ગટરો ઉભરાઈ જવાના બનાવો બની રહ્યા છે. પાલિકા તંત્ર પણ ચૂપ થઈને બેસી રહ્યું છે.છોટાઉદેપુર નગરમાં આશરે 5 વર્ષ પહેલાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટા પાયે આખા નગરમાં રસ્તાઓ ખોદીને ગટરલાઈન નાંખવી હતી.

પરંતુ ઘણી જગ્યાએ ગટરો બ્લોક છે. જ્યાંથી કચરાનો કે પાણીનો નિકાલ પણ થતો નથી. ઘણી જગ્યાએ ઢાંકણા પણ તૂટી ગયા છે. એવી પરિસ્થિતિમાં ઘણા વિસ્તારોમાં સીધા સેફટી ટેન્કના કનેકસનો આપી દેતા ગટરો ઉભરવાના બનાવો બની રહ્યા છે. ગટરો સાફ કરવા અર્થે આવતા મશીન આવતું હતું એ પણ આવતું નથી. તેમ પ્રજા જણાવી રહી છે.

છોટાઉદેપુર નગરના જુદા જુદા વિસ્તાર નીરા હોટેલ હાઇવે રોડ, મહુડી ફળીયા, હરિઓમ સોસાયટી, રાણી બંગલા, ખનીજ કંપાઉન્ડ, મંગળ બજાર, કસ્બા, નજરબાગ, જેલ રોડ, નટવરપુરા, પાવરહાઉસ જેવા વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી ભૂગર્ભ ગટરના પાણી રોડ ઉપર ફરી વળવાના બનાવો બની રહ્યા છે. જેના કારણે ભારે દુર્ગંધનો સામનો પ્રજાએ કરવો પડી રહ્યો છે. અને હાલાકી ભોગવવાની નોબત આવી છે. તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

નગરમાં પ્રજાની સમસ્યાઓ અર્થે યોગ્ય ધ્યાન આપવું જરૂરી છે. અને તેનો તુરંત નિકાલ કરવો દરેક કોર્પોરેટરની ફરજમાં આવે છે. પરંતુ વોટ મળી ગયા પછી કોઈ જોવા મળતું નથી. ચૂંટણી આવવાનો સમય નજીક હોય એટલે મત મેળવવા આવી જાય છે. પરંતુ સમસ્યાઓ અંગે ધ્યાન આપવામાં આવતું નથી. તેમ પ્રજા ફરિયાદ કરી રહી છે. આ અંગે ચૂંટાયેલા પાલિકા સભ્યોએ ચેતવું જોઈએ.

નગરપાલિકામાં અંદરો અંદરના વિવાદો બહાર આવી રહ્યા છે
પૂર્વ પ્રમુખ વિરુદ્ધ 25 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. અને ત્યાર ત્યારબાદ ઉપ પ્રમુખને ચાર્જ સોપાયો હતો. પરંતુ હવે બંને તરફથી સભ્યોને મનાવવા તથા વિશ્વાસમાં લેવાની કવાયત ચાલી રહી છે. ઘણા સભ્યો સાહેલ ગાહે પણ ઉપડી ગયા છે. અંદરો અંદરના વિવાદો બહાર આવી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા પણ આ બાબતે ભારે રસ લઈને કાર્યકરો કામગીરી કરી રહ્યા છે. જે બાબતે નગરમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

વિવાદોનો ઉકેલ આવે છે, પણ પ્રજાની સમસ્યાઓનો નહીં
પરંતુ સત્તા મેળવવાની સાઠમારીમાં પ્રજાના પ્રશ્નો અંગે ધ્યાન આપવામાં આવતું નથી. ગામમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે. ઘણી જગ્યાએ કચરાના ઢગલાનો નિકાલ થતો નથી. જેવી ગંભીર સમસ્યાઓ બાબતે પ્રજા ફરિયાદ કરી રહી છે. સત્તાની સાથે પ્રજાનું કામ પણ થવું જોઈએ તેમ પ્રજા ઈચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે...