રેતી માફિયાઓમાં ફફડાટ:છોટાઉદેપુરમાં ખનીજ વિભાગનો દરોડો, વાહનો સહિત દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં ખાણખનીજ વિભાગે સપાટો મારતાં રેતી ખનન કરતા 8 વાહનો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લામાં ખાણખનીજ વિભાગે સપાટો મારતાં રેતી ખનન કરતા 8 વાહનો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
  • રાત્રિના ગેરકાયદે રેતી ભરીને જતી 6 ટ્રેક્ટર અને 2 ટ્રકો ઝડપાઇ
  • દરોડાને પગલે ગેરકાયદે રેતી વહન કરતા રેતી માફિયાઓમાં ફફડાટ

છોટાઉદેપુર જિલ્લા ખાણખનીજ ખાતા દ્વારા બે દિવસમાં રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે રેતી ભરીને જતા 6 ટ્રેકટર અને 2 ટ્રકો ઝડપી દોઢ કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. મધરાતે બેખોફ બનીને ગેરકાયદેસર રેતી ભરીને દોડતા વાહનોને ખાણખનીજ ખાતાએ ઝડપી કાઢતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે ખનીજ માફિયા સામેની કાર્યવાહી બાદ પણ થોડા દિવસોમાં જ પુન: આ પ્રવૃતિ પુન: ધમધમતી થઇ જતી હોય છે.

છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયાઓને ઝડપી પાડવા માટે સતત અને સઘન પ્રયત્નો કરાતા હોવાનું સામે આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી એન.એ.પટેલે આપેલી માહિતી મુજબ બે દિવસમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રીતે રેતી ભરીને દોડતા 8 જેટલા વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. જે કુલ આઠ વાહનો ઝડપી પાડ્યા છે એમાં છ જેટલા ટ્રેક્ટર છે અને બે ટ્રકો છે.

ઝડપાયેલી બંને ઓવરલોડ ભરેલી ગેરકાયદેસર રેતી ભરીને જતી ટ્રકો પરપ્રાંતની હોવાનું્ જાણવા મળ્યું છે. એક ટ્રકમાં 46 ટન તો અન્ય ટ્રકમાં 39 ટન રેતી ભરેલી હતી.આ બંને ટ્રકોમાં છોટાઉદેપુર જિલ્લા નજીક આવેલા મધ્યપ્રદેશના સાજનપુર પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરાયેલી હતી. આ બંને ટ્રકો ગુજરાતની સરહદમાંથી પસાર થતી હતી તે વખતે ખાણ ખનીજ ખાતાએ તેને ઝડપી કરી હતી.

છોટાઉદેપુરથી પાનવડ રોડ પર નાલેજ નજીકથી પણ આકસ્મીક તપાસ હાથ ધરતા કુલ 6 ટ્રેક્ટર બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજનું વહન કરતાં સીઝ કરવામાં આવેલ. આમ બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા કુલ-8 વાહનો સીઝ કરી ખુન્ટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુકવામાં આવેલ. આ મુદ્દામાલની કિંમત આશરે દોઢ કરોડની થાય છે. ખાણ ખનીજ ખાતાની આ કામગીરીથી ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...