ભાસ્કર વિશેષ:CMના કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ, 5 મેના રોજ છોટાઉદેપુર ખાતે લોકાર્પણ-ખાતમુહૂર્ત અને સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે

છોટાઉદેપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી તા. 5/5/2022ના રોજ સવારે 10 કલાકે એસ.એન. કોલેજ ગ્રાઉન્ડ, છોટાઉદેપુર ખાતે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં લોકાર્પણ-ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ યોજાવાનો છે. જેના આગોતરા આયોજનને અનુલક્ષીને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે મુખ્યમંત્રીના કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આગામી તા. 5/5/2022ના રોજ સવારે 10 કલાકે એસ.એન. કોલેજ ગ્રાઉન્ડ, છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લામાં નવનિર્મિત થયેલા કરોડો રૂપિયાના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત આવનારા સમયમાં હાથ ધરવામાં આવનારા વિકાસકામોનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે થશે. વધુમાં વિવિધ વિભાગની વ્યક્તિલક્ષી યોજનાના લાભાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ચેક અને સહાયનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રી પાર્ટીના હોદ્દેદારો સાથે અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે એમ તેમણે જણાવ્યું હતું.

બેઠક દરમિયાન કાર્યક્રમને અનુલક્ષીને ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેકટરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનો કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે દરેક અધિકારીએ પરસ્પર સંકલન કરી કાર્યક્રમને લગતી તૈયારીઓમાં લાગી જવા જણાવી તેમણે કાર્યક્રમની તમામ તૈયારીઓ સમયમર્યાદામાં પુરી થાય એ બાબતની ખાસ તકેદારી લેવી. લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતિઓની મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી મંજૂરી મેળવવી પડતી હોઇ જે વિભાગ દ્વારા તેમના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવાનું હોય તેની વિગતો અને તકતિ તૈયાર કરીને મોકલી આપવા તાકીદ કરી હતી.

આ ઉપરાંત કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે કાર્યક્રમને અનુલક્ષીને કરવાની થતી કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની વિવિધ સમિતિઓનું ગઠન પણ કરવામાં આવ્યું હતું. તેમણે સમિતિઓમાં સમાવિષ્ઠ અધિકારીઓને કરવાની થતી કામગીરી અંગે પણ વિગતે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ પ્રયોજના વહીવટદાર વી.સી.ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ટી.કે.ડામોર, બોડેલી પ્રાંત ઉમેશ શાહ, છોટાઉદેપુર પ્રાંત વિમલ ચક્રવર્તી, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...