ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર જિ.માં મેડિકલ કોલેજ શરૂ કરાશે : મંત્રી નિમિષાબેન સુથાર

છોટાઉદેપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનું મેડિકલ કોલેજ માટેનું સ્વપ્ન આગામી સમયમાં સાર્થક થશે : કાર્યક્રમમાં નર્સોનું સન્માન કરાયું

છોટાઉદેપુર જિલ્લામાં મેડિકલ કોલેજ આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાનું મેડિકલ કોલેજ માટેનું સ્વપ્ન આગામી સમયમાં સાર્થક થશે એમ રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું.

છોટાઉદેપુર ખાતે આવેલી નર્સિંગ કોલેજ ખાતે સ્ટાફ નર્સીસના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતાં મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં રસીકરણ થકી આમજનતાને સુરક્ષા કવચ પૂરું પાડવામાં નર્સ બહેનોનો સૌથી મોટો ફાળો રહેલો છે. સ્ટાફ નર્સ આરોગ્ય વિભાગની કરોડરજજૂ છે. નર્સ દર્દીને પોતાના પરિજનની જેમ સેવા ચાકરી કરતી હોય છે અને ફરજના ભાગરૂપે અનેક લોકોના જીવ બચાવે છે, તેમ કહ્યું હતું.

સિવિલ હોસ્પિટલના સ્ટાફ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, હેલ્થ પ્રેક્ટિશનરનો મુખ્ય ધ્યેય દર્દી, માતા અને બાળકનો જીવ બચાવવાનો છે. દરેક નવું જન્મનાર બાળક સૌથી પહેલા નર્સનું મોંઢું જુએ છે, પોતે એક મહિલા તરીકે આરોગ્ય મંત્રી બન્યા એનો હર્ષ અને ગૌરવની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું.

તેમણે આરોગ્યકર્મીઓની બઢતી અને પગાર અંગેના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવશે એમ જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નવજાત બાળકો માટે બનાવવામાં આવેલી ન્યુ બોર્ન બેબી છ મહિના સુધી ઉપયોગ લઇ શકે એવી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ દર મહિને 150 થી 200 ડિલીવરી કરનાર નર્સોનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, જનરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. યોગેશભાઇ પરમાર, નર્સિંગના કોલેજના આચાર્ય, જનરલ હોસ્પિટલનો સ્ટાફ, અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...