છોટાઉદેપુર પંથકમાં મંગળવારે સવારથી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળડિબાંગ વાદળોની ફોજ દેખાઈ રહી હતી અને વરસાદ પડે તેવા એંધાણ વર્તાતા હતા. માવઠાની ભીતિથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જિલ્લામાં ખાસ કરીને નસવાડી તાલુકામાં કમોસમી વરસાદની અસર વર્તાઈ હતી. સાંજના અચાનક ભારે પવન સાથે નસવાડી તાલુકાના ધામસીયા અને આજુબાજુના બેડીકીવા, ઘોડીસીમેલ, રાયસીંગપુરા તૅમજ અન્ય ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેને લઈ કપાસ તુવરનો પાક કરેલ ખેડૂતો ચિતિત બન્યા હતા.
નસવાડી ટાઉનમાં વરસાદના છાંટા પડતાંની સાથે જ કપાસ ખરીદ કરેલ વેપારીઓએ કપાસને ઢાંકવાની કવાયત કરવી પડી હતી. હવામાનની આગાહીને લઈ માવઠાની અસર વર્તાતાં ખેડૂતો અને વેપારીઓ ચિતિત બન્યા છે. નસવાડી નજીકના મુખ્ય નેશનલ હાઈવે પર વરસાદ પડતા રોડ પર પાણી દેખાયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે પંથકમાં વાતાવરણમાં અચાનક ફેરફાર આવતાં જો વરસાદ થાય તો ચારો તેમજ મકાઈ, તુવર, કપાસ જે ખેતરમાં હોય કે પાકી ગયું હોય તે કાળો પડી જવાથી નુકસાન થાય તેમ છે. જોકે ઘઉં અને ચણાના પાકને ફાયદો થઈ શકે તેમ છે. પરંતુ મકાઈ, કપાસ અને તુવરની ખેતી કરનારા ખેડૂતો ચિંતામાં પડી ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.