ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો:માવઠાનું વાતાવરણ છોટાઉદેપુરના ખેડૂતોની ચિંતાનું કારણ

છોટાઉદેપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા છે. ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા છે. ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે.
  • વાદળ છાયા વાતવરણથી ખેડૂતોની હાલતા કફોડી બની : બેવડી ઋતુને કારણે શરદી, ખાંસીના કેસોમાં થયેલો વધારો

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. અને ભર શિયાળાની ઠંડીમાં ચોમાસાનો માહોલ સર્જાયો છે. શિયાળો અને ચોમાસુ ભેગું હોય તેવો એહસાસ થઇ રહ્યો છે. આખો દિવસ વાદળ છાયું વાતાવરણ રહેતા માવઠું થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. જેના કારણે જિલ્લામાં બારેમાસ ખેતી કરતા ખેડૂતોના માથે પણ સંકટના વાદળો ઘેરાયા હોય તેમાં કોઈ બે મત નથી.

છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયા હતા. જેથી ફરી માવઠું થવાની શક્યતાઓ જણાતા ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. જો વરસાદ પડે તો મકાઈ, તુવેર, કપાસ, ચણા, મગફળી, જેવા ખેતરમાં ઉગેલો હોય પાકને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે. એક તરફ વરસાદી માહોલ ત્યારે બીજી બાજુ મંદી અને કોરોના covid-19ની દહેશત વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર પંથકમાં છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વખત વરસાદ પડ્યો છે. અને માવઠું થયું છે. જેમાં ખેતી તથા ઇટોનો ધંધાને ભારે નુકસાન થયું હતું. માવઠામાં વધુ વરસાદ થતા ઇટોના ભઠ્ઠા પિલળી જતા વેપારીઓની બધી મહેનત પાણીમાં ગઈ હતી. જ્યારે હાલમાં ફરી માવઠું થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જેને કારણે ઇંટોનો ધંધો કરતા વેપારીઓમાં પણ ભારે ભય જોવા મળી રહ્યો છે.

છોટાઉદેપુર જિલ્લામાં માવઠાના એંધાણથી લોન લઈને ખેતી કરતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. એક તરફ કોરોના મહામારીએ ફરી માથું ઊંચક્યું છે. ત્યારે બીજી તરફ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બેવડી ઋતુને કારણે શરદી, ખાસીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બજારો પણ સુમસામ જણાઈ રહ્યા છે.

પાદરા-વડુ પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોમાં ચિંતા : શિયાળુ પાકને માઠી અસર પડી
પાદરા | પાદરા-વડુ પંથકમાં સતત પલટાતું વાતાવરણને કારણે વધુ એક વખત વાદળ છાયું વાતાવરણ જોવા મળતા પાદરા પંથકના ધરતી પુત્રોના જીવ અઘ્ધર થયા છે. ખેડૂતોને પોતાના પાકમાં નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ગુરુવારે વહેલી સવારથી જ વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

જેને કારણે પવનની ગતિમાં વધારો થયો હતો. ઠંડીમાં પણ સામાન્ય ઘટાડો થવા પામ્યો હતો. આવા વાતાવરણને કારણે શિયાળુ પાકને માઠી અસર પડી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ઉપરાંત પાકમાં રોગચાળાની ભીતિ પણ સેવાઇ રહી છે. જોકે આ તમામ બાબતો વચ્ચે આંશિક ઠંડીમાં ઘટાડો થયો છે. પાદરા પંથકમાં વાતાવરણમાં પણ વારંવાર પલ્ટો આવતા ખેડૂતોમાં ભારે કચવટ થઈ રહી છે.

કરજણમાં વાદળછાયા વાતાવરણથી ખેતીને વ્યાપક નુકસાન : ખેતીમાં ઉત્પાદન ખર્ચ વધવાની શક્યતા
કરજણ | આ વર્ષે અવારનવાર માવઠું થવાથી અને વાદળછાયું વાતાવરણ થવાથી ખેતીને વ્યાપક નુકસાન થવા જઈ રહ્યું છે. જેમાં કરજણ પંથકમાં ગુરુવારના રોજ બપોર બાદ એકદમ વાતાવરણમાં પલ્ટો આવી જવા પામ્યો હતો અને વરસાદી માહોલ છવાઇ જવા પામ્યો હતો. આમ હાલમાં શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે.

ત્યારે વાતાવરણમાં આવેલા પલટાને લીધે ખેતીમાં વ્યાપક નુકસાન છે. ખાસ કરીને તુવેરના પાકને નુકશાન થવાની સંભાવના છે. જ્યારે કપાસ અને શાકભાજીમાં પણ નુકશાન થવાની સંભવના છે. આમ ખેતીનો પાક બચાવવા માટે ખેડૂતો મોંઘી દવાઓનો છંટકાવ કરવો પડતો હોય છે. જેથી ખેતીમાં ઉત્પાદન ખર્ચ પણ વધી જાય છે. આમ અવાર-નવાર વાતવરણમાં પલ્ટો આવવાથી ખેડૂતો ચિંતીત છે.

બોડેલીમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો : પખવાડિયે-મહિને વાતાવરણ બદલાતાં ચિંતા વધી
બોડેલી | બોડેલીમાં હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોની ચિંતા વધી હતી. પખવાડિયે કે મહિને માવઠું થવાનો ક્રમ રહેતા ખેતી પાકને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે. ઠંડા પવનની લહેર વચ્ચે વરસાદનું આગમન થાય તેવો માહોલ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...