સ્થિતિની સમીક્ષા કરાઇ:લમ્પી સ્કિન ડીસીઝ સંકલન અને મોનિટરિંગ કમિટીની બેઠક

છોટાઉદેપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર ખાતે લમ્પી સ્કિન ડીસીઝ સંકલન અને મોનિટરિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. - Divya Bhaskar
છોટાઉદેપુર ખાતે લમ્પી સ્કિન ડીસીઝ સંકલન અને મોનિટરિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી.
  • છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં સ્થિતિની સમીક્ષા કરાઇ

રાજ્યના 20થી વધુ જિલ્લાઓના પશુધનમાં પ્રવર્તી રહેલા લમ્પી સ્કિન ડીસીઝને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહની ઉપસ્થિતિમાં લમ્પી સ્કિન ડિસીઝ સંકલન અને મોનિટરિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી.

અધિકારીઓને માર્ગદર્શન આપતાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, જિલ્લાના સરહદી ગામોના પશુપાલકો સાથે બેઠક કરી જિલ્લામાંથી અન્ય જિલ્લામાં પશુઓની હેરફેર ન કરવા તેમજ અન્ય જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લામાં પશુઓની અવર જવર ન થાય એ બાબતની પશુપાલકોને જાણકારી આપવી.

આ ઉપરાંત જિલ્લામાં જો પશુઓમાં આ રોગચાળો જોવા મળે તો ગ્રામ્ય કક્ષાએ પશુઓને આઇસોલેટ કરી શકાય એવી જગ્યા નકકી કરવા તેમજ તકેદારી રૂપે રસીનો જથ્થો રાખવા માટે, પશુઓના રહેણાંક વિસ્તારમાં આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા, જંતુનાશક દવાઓના છંટકાવ જેવી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરે પાલિકા વિસ્તારમાં પણ રખડતા પશુધનની દેખરેખ અને સારવાર અંગે નગરપાલિકાના સત્તાધીશોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત તેમણે બરોડા ડેરી સાથે સંકલનમાં રહી ડેરીના કર્મચારીઓ તેમજ પશુપાલન વિભાગના કર્મચારીઓ દ્વારા લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. ડીડીઓ ગંગાસિંહે પણ રોગચાળાના અટકાયત માટે કેવી આગોતરી તૈયારીઓ કરી શકાય એ અંગે ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે નાયબ પશુપાલન નિયામક ડૉ. વિક્રાંત ગરાસિયાએ પણ લમ્પી સ્કિન ડિસીઝ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, સમયસર સારવાર આપવાથી બે દિવસમાં જ પશુ સ્વસ્થ થઇ જાય છે.

છોટાઉદેપુર તાલુકા અને એક પાવીજેતપુર તાલુકામાં મળી બે શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા, જેની સારવાર કરતા બંને પશુ સાજા થઇ ગયા હતા. આ ઉપરાંત તેમણે તકેદારીના ભાગરૂપે 5 હજાર જેટલી રસીના ડોઝ પણ મંગાવી લીધા હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે બરોડા ડેરી પાસે પણ રસીનો જથ્થો હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં પશુપાલન વિભાગની 30 ટીમો તથા 20 મોબાઇલ પશુ દવાખાનાઓ કાર્યરત છે એમ કહી જો કોઇ પશુપાલકને તેમના પશુઓમાં આ રોગના લક્ષણ જોવા મળે તો તેમણે નજીકના પશુ આરોગ્ય કેન્દ્ર અથવા હેલ્પલાઇન નંબર 1962 પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...