છોટાઉદેપુર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત ચાલતા ભ્રષ્ટાચારને અટાકાવવા લોકપાલની 27 મેથી નિમણૂક કરાઇ હતી. આદિવાસી વિસ્તારમાં લાખો ની મનરેગામાં ગ્રાન્ટ આવે છે, જેમાં જોબકાર્ડ ધરાવતા શ્રમિકોના નાણાં બારોબાર ઉપડી જતા હોય તેવા કિસ્સાઓમાં લોકપાલમાં ફરિયાદ કરી શકશે. લોકપાલ 30 દિવસમાં નાણાં વ્યાજ સહિત પાછા મેળવશે અને ભ્રષ્ટાચાર કરનાર સામે પગલા ભરશે.
ગુજરાત રાજ્યનાં દરેક જિલ્લાઓમાં મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ફરિયાદોનાં પગલે રાજ્ય સરકારે આ વિકાસકીય યોજનાની દેખરેખ અને ફરિયાદ નિવારણ માટે જિલ્લા કક્ષાએ લોકપાલોની નિમણૂકનાં ઓર્ડર બહાર પાડ્યા છે. દરેક જિલ્લામાં મનરેગા યોજના શરૂ થઈ ત્યારથી વિવાદિત કામગીરીને લઈ ચર્ચામાં રહી છે. તેવામાં છોટાઉદેપુર જિલ્લામાં પણ મનરેગા યોજનાનું યોગ્ય મોનિટરિંગ કરવાનાં અભાવે અનેક ફરિયાદો ઉઠી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં મનરેગા યોજનામાં લાભાર્થીઓનાં જોબકાર્ડ અને માનવબળ થકી 100 ટકા રોજગારી આપવાની થાય છે. પરંતુ અમુક પદાધિકારીઓ આ કામો માનવબળથી કરાવવાની જગ્યાએ મશીનરીથી કરી ભ્રષ્ટાચાર આચરતા હોય છે. જેથી ગ્રામ વિકાસ મંત્રાલયનાં આદેશથી જિલ્લાનાં 6 તાલુકા પંચાયતોમાં ચાલતી મનરેગા યોજનામાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર રોકવા માટે લોકપાલ તરીકે કાયદા નિષ્ણાત ભાર્ગવભાઇ ત્રિવેદીની નિમણૂક કરી છે.
જિલ્લામાં 6 તાલુકાઓમાં મનરેગા યોજનાને લગતી કોઈપણ ફરિયાદ હવે અરજદારો લોકપાલને કરી શકશે. લોકપાલ ગ્રૂપ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં મીટિંગ કરી તેનો રેકોર્ડ મેળવી શકશે અને ગેરરીતિનાં કિસ્સાઓમાં લાભાર્થીઓનાં જોબકાર્ડ કસ્ટડીમાં લઇ શકશે. જોકે લોકપાલની નિમણૂક થયે બે મહિના થયા પણ ફરિયાદ આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.