તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:નેટવર્કનો અભાવ, સ્માર્ટ ફોનનું અજ્ઞાન છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચાડતું નહોતું, હવે પહોંચશે

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં ધોરણ  6 થી 8 ઓફ લાઈન શિક્ષણ કાર્યની શરૂઆત થશે. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 થી 8 ઓફ લાઈન શિક્ષણ કાર્યની શરૂઆત થશે.
  • કોરોના મહામારી ઘટતાં સરકાર દ્વારા 2 સપ્ટેમ્બરથી ધો 6 થી 8 ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
  • શિક્ષકો અને સંચાલકો ઓફલાઇન શિક્ષણની તરફેણમાં

સરકાર દ્વારા 2 સપ્ટેમ્બરથી ધો 6 થી 8 ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષ જેવા સમયથી શાળાઓ બંધ રહેતાં ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલતું હોય પરંતુ હવે પ્રાથમિક વિભાગની ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેનાથી વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણનો લાભ મેળવી શકશે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષ જેવા સમયથી ધોરણ 6 થી 8 ની શાળાઓ બંધ હતી.

જેને કારણે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય કરાવવામાં આવતું હતું. પરંતુ ગરીબ અને પછાત ગણાતા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં મોબાઈલના નેટવર્કના ધાંધિયા હોઇ તેમજ ગરીબ આદિવાસી લોકો પાસે સ્માર્ટ ફોન ખરીદવાની પણ તાકાત નથી કે ઘણાને મોબાઈલ વાપરતા પણ આવડતું નથી, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહેતા હતા. શાળાએ ન જવાના કારણે શિક્ષણ કથળતું હતું.

ત્યારે હવે સરકારના શાળાઓ શરૂ કરવાના નિર્ણયથી દરેક વિદ્યાર્થીને શિક્ષકની દેખરેખ હેઠળ શિક્ષણનો લાભ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 6 થી 8 ના પ્રત્યક્ષ શિક્ષણ કાર્યની શરૂઆત થતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ થોડા સમય પહેલા સરકાર દ્વારા માધ્યમિક વિભાગની ધોરણ 9 થી 12 ના ઓફલાઇન શિક્ષણની શરૂઆત કરાતાં શાળાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે એક વર્ગમાં 50 ટકા વિદ્યાર્થીઓ તથા બીજા દિવસે 50 ટકા વિદ્યાર્થીને બોલાવવામાં આવી રહ્યા છે.

જેમાં વિદ્યાર્થીઓ પૂરે પૂરી સંખ્યામાં આવે છે અને પુરા તાસ અટેઇન કરે છે. તેમ છોટાઉદેપુર એસ એફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું. પરંતુ હવે પ્રાથમિક શાળાઓ શરૂ થાય તો શું પરિસ્થિતિ સર્જાશે એ જોવાનું રહ્યું.

વિદ્યાર્થીઓની દેખરેખ માટે સરકારનો શાળા શરૂ કરવાનો નિર્ણય આવકાર્ય છે
છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ રહેતા વાલીઓ અને વિદ્યાર્થીઓ થાકી ગયા છે. શિક્ષકની દેખરેખ હેઠળ પ્રત્યક્ષ શિક્ષણ અને સલાહ ના મળે ત્યાં સુધી વિદ્યાર્થી યોગ્ય પાઠ શીખી શકતો નથી. ઓન લાઈન શિક્ષણથી એકલતા અનુભવવાને કારણે વિદ્યાર્થીનું શિક્ષણમાં મન લાગતું નથી. પરંતુ સમૂહમાં મૂલ્યાંકન થવાથી વધુ આગળ વધવાની વિદ્યાર્થીઓમાં ધગસ આવે છે. સરકારનો ધોરણ 6 થી 8ની શાળા શરૂ કરવાનો નિર્ણય ખૂબ આવકાર્ય છે. - રમેશભાઈ ખત્રી, શાળા સંચાલક મંડળના અધ્યક્ષ

શિક્ષણનું સ્તર નીચું જતાં શાળાઓ શરૂ કરવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે
ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને સ્માર્ટ ફોનના અભાવને કારણે શિક્ષણનું સ્તર નીચું ગયું છે. વિદ્યાર્થી શાળાએ આવે તો યોગ્ય રીતે શિક્ષણ મેળવી શકશે. વાલીઓ-વિદ્યાર્થીઓ શાળાઓ ક્યારે ખુલશેની રાહ જોઇ બેઠા છે. સરકારનો શાળાઓ શરૂ કરવાનો નિર્ણય યોગ્ય છે. - જગદીશભાઈ રાઠવા, ઉપ આચાર્ય, ઘોઘાદેવ પ્રા.શાળા- પ્રમુખ, તા.પ્રા. શિક્ષક સંઘ

કોરોના ગાઇડલાઇનના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને શાળાઓ શરૂ કરાશે
શાળાઓ શરૂ કરવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે. શાળાઓ શરૂ થશે તો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળશે. સરકારના પરિપત્ર મુજબ કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન તથા નિયમોના આધારે શાળાઓ શરૂ કરવાનું આયોજન કરવામાં આવશે. - એસ એલ પવાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

શિક્ષણને લગતી મૂંઝવણનું ઓનલાઈન શિક્ષણથી સમાધાન કરવું ઘણું મુશ્કેલ છે
ધોરણ 6થી 8ની શાળાઓ શરૂ કરવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે. ઓનલાઈન શિક્ષણ અને પ્રત્યક્ષ શિક્ષણમાં ઘણો ફેર હોય છે. વિદ્યાર્થીની શિક્ષણને લગતી મૂંઝવણ તથા સમસ્યાનું ઓનલાઈન શિક્ષણથી સમાધાન કરવું ઘણું મુશ્કેલ છે. હવે શાળાઓ શરૂ કરવામાં આવશે તો શિક્ષણનું સ્તર સુધરશે. -રાજકિશોરભાઈ શર્મા, આચાર્ય, પ્રાથમિક વિભાગ

અન્ય સમાચારો પણ છે...