રજુઆત:પેન્શનર મંડળના પડતર પ્રશ્નો અંગે સૂત્રોચ્ચાર કરી ન્યાયની માગ કરાઈ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા કલેકટરને આવેદન

ગુજરાત રાજ્ય નિવૃત કર્મચારી સખાવતી મહા મંડળ વડોદરાના આદેશ મુજબ સોમવારે છોટાઉદેપુર જિલ્લા નિવૃત કર્મચારી મંડળના હોદ્દેદારો ગુજરાત રાજ્ય નિવૃત કર્મચારી સખાવતી મંડળના ટ્રસ્ટી વિજયસિંહ વાસદીયા, તાલુકા પ્રમુખ જે ડી રાઠવા, જિલ્લા પ્રમુખ કેશરોલા, કોષાધ્યક્ષ ભરતભાઇ પટેલ, જેવા આગેવાનો દ્વારા ભેગા મળીને નગરમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કરી જિલ્લા સેવા સદન કચેરી ખાતે એકત્રિત થયા હતા. અને પોતાના પેન્શનર મંડળના વર્ષોથી પડતર પ્રશ્નો અંગે સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરી હતી.

આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તા 7/12/21ના ગુજરાત રાજ્યના દરેક જિલ્લા કલેકટરને અમારા પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપ્યું હતું. જેનો હકારાત્મક પ્રત્યુતર આજદિન સુધી મળ્યો નથી અમોને 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા હકારાત્મક ઉત્તર આપવો. જો વહેલો ઉકેલ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. જેની જવાબદારી સરકારની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પેંશનરોને તબીબી ભથ્થામાં રૂા. 300ની જગ્યાએ રૂા. 1000 કરવા, વર્ષ 2004માં અમલમાં આવેલ નવી પેંશન યોજના બંધ કરી જૂની ચાલુ કરવી, પેંશનર તથા તેમના પરિવારને કેસલેસ તબીબી સેવાઓ પુરી પાડવી, પેંશનરની આશ્રિત અપરણિત દીકરી ત્યકતા વિધવાને આજીવન પેંશન આપવું, પેંશનરોને નિવૃત્તિ પછી દર વર્ષે યાત્રા ભથ્થું એક માસનું પેંશન આપવુ, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું સમયસર ચૂકવવું, “પેંશન અદાલત” રાજ્યમાં ઝોન વાઇસ યોજી પેંશનરોના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવો જેવા 18 મુદ્દાઓ ઉપર આવેદન આપી કલેકટર સમક્ષ ન્યાયની માગ કરી છે. અને ઝડપથી ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી.

પાદરા શહેર-તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા પેન્શન મુદ્દે આવેદનપત્ર અપાયું
પાદરા | ગુજરાત રાજ્યના દરેક જિલ્લા કલેકટરને ઉદ્દેશીને પોતાના પ્રશ્નો બાબતે ગુજરાત સ્ટેટ પેન્શનર્સ ફેડરેશને તા. 7 ડિસેમ્બર 2021 ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેનો કોઈ હકારત્મક પ્રત્યુતર ના મળતા પાદરા શહેર-તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા પાદરા મામલતદાર કચેરી ખાતે ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરી નવી પેન્શન યોજના રદ કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તબીબી ભથ્થા માસિકમાં વધારો, સાતમા પગાર પંચમાં અહેવાલ મુજબ 2.97% જોડાણ કરી ચુકવણી, 80 વર્ષ પછી પેન્શન વધારાની ફોર્મ્યુલામાં પરિવર્તન, આવક વેરામાં મુક્તિ સહિત વિવિધ પ્રશ્નો તથા મુશ્કેલીઓનું નિવારણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રશ્નો બાબતે હકારત્મક ઉકેલ લાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વહેલો ઉકેલ નહિ આવે તો પેન્શનરો દ્વારા ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં પાદરા શહેર-તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ચંદુભાઈ પઢિયાર, મંત્રી સતીષ પટેલ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહી પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...