કેળાના સારા બજાર ભાવ અને વધતી માંગને પરિણામે ગુજરાત રાજ્યમાં કેળની ખેતી વધતી જાય છે. કેળની ખેતી કરતા ખેડૂત ભાઈઓ સાથે પરામર્શ કરતાં જાણવા મળ્યું છે કે લુમ કાપી લીધા બાદ છોડનો નિકાલ કરવોએ ખૂબ જ જટિલ સમસ્યા હોય છે. મોટાભાગના ખેડૂતો લૂમ કાપી લીધા બાદ કેળના થડ અને પાના સહિત છોડને કાઢી શેઢા-પાળા પર અથવા રસ્તાની આજુબાજુ નાખી દેતા હોય છે.
પરંતુ નકામા જતા આ કેળના થડીયાનો ઉપયોગ કરી જબુગામ કૃષિ મહાવિદ્યાલયના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિવરાજસિંહ ચૌહાણ તથા પરેશ બાવળીયાએ ડૉ. વિનોદ બી. મોર, કૃષિ વૈજ્ઞાનિક, જબુગામના સીધા માર્ગદર્શન હેઠળ તથા તેમની અગાઉની ભલામણ મુજબ વેસ્ટમાંથી બેસ્ટ વર્મિકમ્પોસ્ટ બનાવ્યું છે. કેળના થડમાંથી બનાવેલ આ વર્મિકમ્પોસ્ટમાં તેઓએ અળસિયાની યુડ્રીલસ યુજીની જાતનો ઉપયોગ કર્યો હતો. જેનું તેમને ખુબ જ સરસ પરિણામ મળ્યું છે. આ પ્રકારનું વર્મિકમ્પોસ્ટ બધા જ પ્રકારના જરૂરી પોષક તત્વો સાથેનો સેન્દ્રીય ખાતરનો સ્ત્રોત છે.
ખેડૂત મિત્રો પણ નકામા જતા કેળના થડીયાનો નો ઉપયોગ કરી વર્મીકમ્પોસ્ટ બનાવી તેનું તથા અળસિયાનું વેચાણ કરી તેમની આવકમાં વધારો કરી શકે છે. વિદ્યાર્થીઓના અગમ પ્રયાસને કૃષિ મહાવિદ્યાલયના આચાર્યશ્રી અને વડા, ડૉ. સુનીલ પટેલ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો તથા અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.