પરિણામ જાણવા ઉત્સુકતા...:આજે નક્કી થશે ગામની સરકાર જિલ્લાના 6 કેન્દ્ર પર થશે મતગણતરીનો પ્રારંભ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં 230 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ મતદાન 78.59% નોંધાયું, 2 ગ્રામ પં.ની પેટા ચૂંટણીમાં 65.17% મતદાન થયું
  • સવારના 8:00થી સાંજના 6:00 વાગ્યા સુધીના સમયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીસીટીવીની નિગરાનીમાં મત ગણતરી પ્રક્રિયા થશે

છોટાઉદેપુર જિલ્લામાં તા. 19 ડિસેમ્બરના રોજ કુલ 230 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં 78.59% મતદાન થયું હતું જ્યારે 2 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં 65.17 % મતદાન થયું હતું. આજે તા. 21 ડિસેમ્બરના રોજ મત ગણતરી હોય પરિણામ જાણવા અર્થે મતદારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ 6 કેન્દ્રો ઉપર સવારના 8:00 સાંજના 6:00 વાગ્યા સુધી મત ગણતરી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીસીટીવી કેમેરાની નિગરાનીમાં અને કોવિડ-19 ની ગાઈડલાઈન પ્રમાણે હાથ ધરાસે.

તાલુકા સેવા સદન ખાતે મત પેટીઓ સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મુકવામાં આવી હતી. આજે તા.21 ડિસેમ્બરના છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં એસ એફ હાઈસ્કૂલ, સંખેડા તાલુકામાં તાલુકા સેવા સદન, કવાંટ તાલુકામાં હાઈસ્કૂલ ખાતે, નસવાડી તાલુકામાં સેવા સદન, જેતપુરપાવી તાલુકા સેવા સદન, બોડેલી તાલુકા સેવાસદન ખાતે મત ગણતરી યોજાશે.

છોટાઉદેપુરમાં 230 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 78.59% મતદાન થયું
છોટાઉદેપુર.છોટાઉદેપુર જિલ્લામાં તા. 19 ડિસેમ્બરના રોજ યોજાયેલ 230 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 78.59% મતદાન નોંધાયું હતું.જેમાં છોટાઉદેપુર તાલુકામાં 77.09 %, જેતપુરપાવી તાલુકામાં 74.40 %, કવાંટ તાલુકામાં 79.48 %, નસવાડી તાલુકામાં - 85.8 %, બોડેલી તાલુકામાં 76.38 % , સંખેડા તાલુકામાં 80.64 % મળી જિલ્લામાં કુલ 78.59% ટકા મતદાન થયું હતું. છોટાઉદેપુર જિલ્લાની 2 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીમાં સાંજના 6:00 વાગ્યા સુધીમાં કુલ 65.17 % મતદાન નોધાયું હતું.

સંખેડા સેવાસદન ખાતે આજે થશે 35 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી
સંખેડા. સંખેડા તાલુકાની 35 ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યોની ચૂંટણી બાદ મતગણતરી સંખેડા તાલુકા સેવાસદનમાં આજે યોજાશે. જેના માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે. સરપંચ પદના 111 ઉમેદવારો અને સભ્યપદના કુલ 470 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. આ ચૂંટણી રવિવારે સાંજે પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા હતા. આ મતપેટીઓ સંખેડા તાલુકા સેવાસદન ખાતે લવાઈ હતી. મતપેટીઓ આજે સવારે ખુલશે. મંગળવારે સવારે મતગણતરી હાથ ધરાશે. સંખેડા તાલુકા સેવાસદન ખાતે બીજા માળે મતગણતરી અંગેની તમામ તૈયારીઓ પુરી કરી દેવાઇ છે. મતગણતરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ અત્રે ગોઠવવામાં આવેલો છે.

બોડેલીની 56 ગ્રામ પંચાયત સાથે 3 ગ્રામ પં.ની પેટા ચૂંટણી માટે 76.50 ટકા મતદાન
બોડેલી. બોડેલી તાલુકાની 56 ગ્રામ પંચાયત સાથે ત્રણ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે થયેલા મતદાનના મોડી રાત્રે આવેલા આંકડા મુજબ બોડેલી તાલુકાનું સરેરાશ મતદાન 76.50 ટકા, બોડેલી ગ્રામ પંચાયત 59 ટકા રહી હતી. ઢોકલિયામાં 2003માંથી 1620 મતદારોએ જંગી મતદાન કરતા 80 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે અલી ખેરવામાં 6890માંથી 4733 મતદાન થતાં 68 ટકા મતદાન નોંધાયું હતું. તારીખ 21ના રોજ સવારે 8 કલાકે બોડેલી સેવાસદન ખાતે મત ગણતરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...