બેઠક યોજાઈ:સમયમર્યાદા બહારની અરજીઓનો ઝડપથી નિકાલ કરવા સૂચન કરાયું

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિ. સંકલન-વ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન-વ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. સંકલન-વ-ફરિયાદ નિવારણ સમિતિની ભાગ-1ની બેઠકમાં છોટાઉદેપુર મતવિસ્તારના ધારાસભ્ય મોહનસિંહભાઇ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોની સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

સંબંધિત અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવતી બાબતોને અગ્રતાક્રમ આપવા માટે જિલ્લા કલેકટર દ્વારા તાકીદ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પણ બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓને લઇને ચર્ચા કરી હતી. ભાગ-2ની બેઠકમાં જિલ્લા કલેકટરે પ્રજા તરફથી આવેલી આવેલી અરજીઓ અંગે સમીક્ષા કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રજા તરફથી આવતી અરજીઓના નિકાલ માટે ચોકકસ સમયમર્યાદા નકકી કરવામાં આવી છે.

સરકાર દ્વારા નકકી કરવામાં આવેલ સમયમર્યાદામાં તમામ અરજીઓનો નિકાલ થઇ જવો જોઇએ. એમ જણાવી તેમણે જે કચેરીમાં સમયમર્યાદા બહારની અરજીઓ પડતર હોય તે કચેરી ઝડપથી નિકાલ કરે એવી સૂચનાઓ આપી હતી. વધુમાં બાકી પેન્શન કેસોની ચર્ચા કરતા તેમણે જે કર્મચારી ચાલુ નોકરીએ અવસાન પામ્યા હોય કે વયનિવૃત થઇ ગયા હોય તેવા કર્મચારીઓના પેન્શન કેસોનો ઝડપથી નિકાલ થઇ જાય એ રીતે કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે સરકારી લેણાની વસુલાતમાં ઝડપ કરવા તેમજ ખાતાકીય તપાસના બાકી કેસોનો સત્વરે નિકાલ કરવા માટે પણ તાકીદ કરી હતી. બેઠકમાં અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, નાયબ વન સંરક્ષક, છોટાઉદેપુર પ્રાંત વિમલ ચક્રવર્તી, પુરવઠા અધિકારી અભિષેક સિંહા, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...