ભાસ્કર વિશેષ:બોડેલી ખાતે બૌદ્ધિક સંમેલનનું આયોજન કરાયું, જિલ્લા આર્થિક સેલ દ્વારા આયોજન, સાંસદ સહિત અનેક લોકો ઉપસ્થિત

જબુગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોડેલી ખાતે બૌદ્ધિક સંમેલન યોજવામાં આવ્યું. - Divya Bhaskar
બોડેલી ખાતે બૌદ્ધિક સંમેલન યોજવામાં આવ્યું.

છોટાઉદેપુર જિલ્લા આર્થિક સેલ દ્વારા બોડેલી ખાતે રામ કબીર મંદિરમાં સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં બૌદ્ધિક સંમેલન યોજાયું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, મુખ્ય વક્તા તરીકે મધ્ય ગુજરાત મીડિયા સેલના કન્વીનર સત્યેનભાઈ કુલાબકર, જિલ્લા ભાજપા પ્રમુખ રશ્મિકાંતભાઈ વસાવા, જિલ્લા આર્થિક સેલના કન્વીનર જે ડી રાઠવા, સહ કન્વીનર અતુલભાઈ શાહ,જિલ્લા કોષાધ્યક્ષ રાજુભાઈ ઉમાવાળા ઉપસ્થિત રહ્યા હતા.

બૌદ્ધિક સંમેલનને સંબોધતા સાસંદ ગીતાબેને જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારે પ્રજાલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકીને છેવાડાના માનવીના જીવનમાં પ્રકાશ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. સત્યેનભાઈએ "ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન’ના વિષયને અનુરૂપ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ કરેલ અસરકારક કામગીરીથી દેશમાં જ નહિ પરંતુ વિશ્વના લોકો પણ તેમને મહાનાયક તરીકે લોકચાહના પ્રાપ્ત કરી છે. તેમને દેશના આંતરિક અને બાહ્ય પ્રશ્નોને પણ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરી દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર પહોંચાડવામાં સફળ થયા છે.

સ્ટાર્ટઅપ યોજના, સ્ટેન્ડઅપ, લોકલ ફોર વોકલ જેવી અનેક યોજનાઓમાં ઓછા દસ્તાવેજોના આધારે ધંધાર્થીઓ માટે રોજગારીની તકો ઉભી કરીને આત્મનિર્ભર બનાવવાનું કામ કર્યું છે. વિશ્વના દેશોમાં ભારતની ચીજવસ્તુઓની માગ વધતા દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી નવા ભારત તરફ નઝર કરી રહ્યા છે.

નવા ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત માનવામાં આવે છે.ભારતના જીડીપીનો 40 % હિસ્સો ગુજરાતનો છે. એટલે કે ગુજરાતમાં સૌથી વધુ ઉદ્યોગ સાહસિકોના પ્રયત્નોથી વિકાસ થયો છે. આમ છોટાઉદેપુર જિલ્લા આર્થિક સેલ દ્વારા બોડેલી ખાતે બૌદ્ધિક સંમેલન આગેવાનોની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...