છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં નોંધારી હાલતમાં રહેતા હોય, જેઓને સરકારી યોજનાનો લાભ મળેલ ન હોય તેવા નાગરિકો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોંધારાનો આધાર સમો પ્રારંભ પ્રોજેકટ શરૂ કરવામાં આવનાર છે. જે અંગે તાજેતરમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક દરમિયાન તેમણે અધિકારીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં રહેતા નોંધારી અવસ્થામાં રહેતા અને જેઓ સરકારી યોજનાઓથી વંચિત છે. એવા નાગરિકોની ઓળખ કરવામાં આવે. જેથી પ્રારંભ પ્રોજેકટ અંતર્ગત એવા નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ આપી શકાય.
તેમણે નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોનો સર્વે કરી આવા લોકોની ઓળખ કરવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સર્વે બાદ ઓળખ થયેલ સરકારી લાભ મેળવવાપાત્ર નાગરિકોને કેવા પ્રકારની યોજનાઓ હેઠળ આવરી લેવાથી તેમની જિંદગી સુગમતાથી પસાર થાય એમ છે. એ અંગે સર્વે બાદ તેમને તેમની જરૂરિયાત મુજબની યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવશે એમ જણાવ્યું હતું. કલેકટરે દરેક તાલુકામાં ગામદીઠ ટીમ બનાવીને તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે એવી તાકીદ કરતા જણાવ્યું હતું કે, તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે તો પ્રારંભ પ્રોજેકટ શરૂ કરવામાં સરળતા રહેશે.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો કે જેઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય, ભટકતું જીવન જીવતા ભિક્ષુકો, મજૂરી અર્થે કાચા ઝૂંપડા બનાવી ખેતરોમાં કે ગામને સિમાડે રહેતા હોય એવા નાગરિકો, શહેરોમાં આશ્રયગૃહોમાં આશ્રય લઇ રહેલા, બાંધકામની સાઇટો પર રહેતા, ફુટપાથ પર જીવન વ્યતિત કરતા હોય, ભટકતું જીવન જીવતા ભિક્ષુકો જેવા લોકોની ઓળખ કરવામાં આવે આવે જેથી તેમની જરૂરિયાત અનુસારની યોજનાઓ હેઠળ આવરી લઇ શકાય.
આ ઉપરાંત તેમણે શહેરી વિસ્તાર છોટાઉદેપુરમાં પણ નગરપાલિકા દ્વારા સર્વે કરીને વધુમાં વધુ લોકોને પ્રોજેકટ હેઠળ આવરી લેવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરાઈ હતી. બેઠકમાં અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીત નાયબ કલેકટર આર.એન.કુશવાહ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.