છોટાઉદેપુર નગરમાં 1 કરોડ 83 લાખના ખર્ચે સરદારબાગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેને માત્ર એક અઠવાડીયા જેટલો સમય થયો ત્યારે નવા બનાવવામાં આવેલા બાગમાં બાળકોને રમવા માટેના સાધનો માત્ર અઠવાડિયામાં જ તૂટી ગયા છે અને સાધનોમાં ફાઉન્ડેશન ઉખડી ગયા છે. એક ફૂટનું ફાઉન્ડેશન કેટલું ટકે એ પ્રજામાં પ્રશ્ન છે. છોટાઉદેપુરની મધ્યમાં આવેલ સરદાર વલ્લભભાઈ પાર્કને હાલમાં જ 1 કરોડ 83 લાખના ખર્ચે અધ્યતન બનાવવામાં આવ્યો છે.
જેમાં બગીચામાં નવી લોન (ઘાસ) વિવિધ જાતના સુશોભિત રોપા અને છોડવાઓ, રંગબેરંગી ફૂલોના છોડ, ફુવારા, કમ્પાઉન્ડ વોલ, ચાલવા માટેના વોકિંગ ટ્રેક તેમજ બગીચામાં આવનારા બાળકો રમી શકે તેવા અનેક રમત-ગમતના સાધનો મુકવામાં આવ્યા છે. આટલું જોતા એવું તો કોઈ પણ નાગરિકને લાગે કે આ બગીચામાં આશરે 2 કરોડ જેવી રકમ ક્યા ખર્ચાઈ હશે!.
જો સરકાર પ્રજાની સુખાકારી માટે કરોડોના ખર્ચા કરતી હોય તો એ કામગીરીનું મોનીટરીંગ કેમ કરવામાં આવતું નથી. શું સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ‘તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ’ એ શૈલીથી જ પ્રજાના નાણાંનો વેડફાટ થતો હશે તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના પાલિકા પ્રમુખ અલ્પાબેન શાહે વિદેશી પક્ષીઓને બગીચામાં મૂકીને બાળકોમાં ભારે આકર્ષણ ઉભું કર્યું હતું. હવે જ્યારે પોણા બે કરોડ ઉપરાંતનો ખર્ચ કર્યો છે, ત્યારે એ પક્ષીઓ ગાયબ થઇ ગયા અને પક્ષીઓની જગ્યાએ પાંજરામાં મુકેલા પ્લાસ્ટિકના પ્રાણીઓએ સ્થાન લીધું છે. આ નિર્જીવ પ્લાસ્ટિકના પ્રાણીઓને જોઈને નગરના નાગરિકોમાં હાસ્ય ફેલાયું છે. આ સરદાર બાગનું હાલમાં જ ગુજરાતના મંત્રી નિમિષાબેન એ ઉદઘાટન કર્યું હતું. જેના એક સપ્તાહમાં જ બાળકોના રમવાના સાધનો ફાઉન્ડેશનમાંથી નમી પડ્યા છે. જો કાલ ઉઠીને કોઈ અકસ્માત થાય તો આ જવાબદારી કોણ સ્વીકારશેની ચર્ચા થઇ રહી છે.
બગીચામાં બાળકોનો ધસારો વધારે રહેતાં પરિસ્થિતિ સર્જાઈ છે
જે સાધનો તૂટી ગયા છે જે અંગે ફાઉન્ડેશનમાંથી અલગ થઈ ગયા છે. નવા બનેલ બગીચામાં બાળકોનો ધસારો વધારે રહેતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. >સંગ્રામસિંહ રાઠવા, પાલિકા પ્રમુખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.