ચોરી:પોલીસ ઊંઘમાં, પ્રજાને જાગરણ 7 દિવસમાં 8 ઘરોનાં તાળાં તૂટ્યાં

છોટાઉદેપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુરના ભરચક વિસ્તારોમાં ચોરો છડેચોક ચોરી કરી રહ્યા છે
  • રાત્રીના સમયે વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પ્રજાની માગ

છોટાઉદેપુર નગરમાં છેલ્લા 7 દિવસ જેવા સમયથી રાત્રીના સમયે ચોરીના તથા તાળા તૂટવાના બનાવો બની રહ્યા છે. તસ્કરોના ત્રાસથી પ્રજાની રાત્રીની ઊંઘ હરામ થઈ ગઈ છે. નગરમાં તા 7 નવેમ્બરના રોજ નગરના સ્ટેશન વિસ્તાર તરફ સલીમભાઈ ખોટાના મકાનમાંથી રાત્રીના સમયે દોઢ તોલા સોનુ અને 60 હજાર રોકડ રકમની ચોરી થઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. તેમ મકાન માલિક સલીમભાઈ ખોટાએ જણાવ્યું હતું. તા. 7 નવેમ્બરના રોજ રાત્રીના સમયે ગુરુકૃપા વિસ્તારમાં પણ 6 જેટલી જગ્યાઓ ઉપર તાળા તૂટ્યા હોવાના બનાવ બન્યા હતા. સદ્નસીબે કોઈના ઘરમાંથી વસ્તુ ચોરાઈ ન હતી.

તેમ ગુરુકૃપા વિસ્તારમાં રહેતા માજી કોર્પોરેટર કનુભાઈ ગઢવી એ જણાવ્યું હતું. તાજેતરમાં સરદાર નગર સોસાયટી વિસ્તારમાં ત્રણ જગ્યાએ મકાનોમાં તથા એક દુકાનના તાળા તૂટ્યા હોવાની બુમ પડી હતી. સદ્ નસીબે કોઈને ત્યાં વધારે માત્રામાં કશું ચોરાયું ન હતું. જે મકાન માલિકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં ઠંડીનો ચમકારો હોય વધુ પડતી ઠંડી પડવાને કારણે રાત્રીના સમયે માર્ગો સુમસામ થઈ જતા હોય છે. જેનો સહારો લઈ તસ્કરો સમયનો લાભ ઉઠાવી રહ્યા છે. થોડા દિવસો અગાઉ સ્ટેશન વિસ્તારમાં 4 મકાનોમાં ચોરીના બનાવો બન્યા હતા પરંતુ આજ સુધી તસ્કરો ઝડપાયા નથી.

તંત્ર દ્વારા છોટાઉદેપુર નગરમાં રાત્રીના સમયે વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પ્રજા માગ કરી રહી છે. વધુ પડતા ચોરીના બનાવોને કારણે પ્રજાની રાત્રીની ઊંઘ હરામ થઈ ગઈ છે. નગરમાં બંધ દુકાનો તથા મકાનોના નકુચા તૂટતા સમગ્ર નગરમાં ફફડાટ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે તા. 5ના રોજ સોનીના મકાન માંથી ઘરેણાં તથા રોકડ રકમ કુલ કિં રૂપિયા 10 લાખ 22 હજાર જેટલી વસ્તુ તથા રકમની ચોરી થઈ હતી. જે અંગે તપાસ પણ હાથ ધરાઈ હતી પરંતુ કોઈ અત્યાર સુધી જિલ્લામાં છેલ્લા 7થી 8 દિવસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો નથી. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તથા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રજાની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...