તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી હોનારત સર્જાવાના એંધાણ:પાવી જેતપુર પાસેની ઓરસંગ નદીમાં ખનીજ માફિયાઓએ ગેરકાયદે ખનન કરતાં પુલના પાયા 12 ફૂટ ખુલ્લા થયાં

કદવાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાવીજેતપુર નજીક ઓરસંગ નદી પુલના પિલ્લરોનાં પાયા ખુલ્લા થઇ જતાં ભવિષ્યમાં મોટી હોનારત સર્જાવાની ભીતિ છે. - Divya Bhaskar
પાવીજેતપુર નજીક ઓરસંગ નદી પુલના પિલ્લરોનાં પાયા ખુલ્લા થઇ જતાં ભવિષ્યમાં મોટી હોનારત સર્જાવાની ભીતિ છે.
  • પાવીજેતપુર પાસે પુલના 21 પિલર પૈકી 9 પિલરની ચોતરફ પાયા ખુલ્લા થઇ ગયાં
  • પાયા ખુલ્લા થવાને કારણે ભવિષ્યમાં પુલ પર કોઈ મોટી હોનારત સર્જાવાના એંધાણ, સ્થાનિકો ભયમાં

છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી એવી પાવીજેતપુર નજીક પસાર થતી ઓરસંગ નદી જે નદી ઉપર સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે વર્ષો પહેલાં બનાવેલ ઓરસંગ નદીના પુલની આસપાસ છેલ્લા ઘણા સમયથી રેત ખનન માફિયાઓ દ્વારા સાદી રેતીનું ખનન કરતાં હોવાથી ઓરસંગ નદીનાં પુલના પીલ્લરોનાં પાયાની આજુબાજુ ભારે રેત ખનન થવાનાં કારણે પાણીનાં પ્રવાહમાં રેતી ધોવાણ થઈ જવાથી પુલના 21 જેટલા પીલ્લર પૈકી 9 જેટલા પીલ્લરની ચોતરફ રેતીની સપાટીથી 10થી 12 ફૂટ જેટલા પાયા ખુલ્લા થઇ ગયા છે. જેના કારણે ઓરસંગ નદીનાં પુલનું આયુષ્ય ઘટી ભારે નુકસાન થવાનાં કારણે ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

પાવીજેતપુર નજીક ઓરસંગ નદીમાં છેલ્લા ઘણા સમયથી રેત ખનન માફિયાઓને તંત્ર દ્વારા જાણે છૂટોદોર આપી દેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઓરસંગ નદીમાં આડેધડ મર્યાદા વિરુદ્ધ રેતીખનન થવાનાં કારણે ઓરસંગ નદીનાં પીલ્લરનાં પાયા 10-12 ફૂટ જેટલા ખુલ્લા થઇ જવા પામ્યા છે. નદી આજુબાજુનાં કિનારાઓ પણ રેત ખનન થવાનાં કારણે ધોવાતા નદી કિનારાઓની પાસે આવેલી ગ્રામ પંચાયતોને પણ પોતાની હદમાં આવતા કિનારાઓનું ધોવાણ થતાં લાખોનાં ખર્ચે સંરક્ષણ દીવાલો બનાવવાની ફરજ પડી છે.

ઓરસંગ નદીમાં રેત ખનન અટકાવવા માટે ભૂતકાળમાં નદી કિનારા પર વસવાટ કરતા ગામડાંના રહિશો, ખેડૂતો દ્વારા પોતાનાં કૂવા, બોર તથા હેન્ડ પંપનાં જળસ્ત્રોત નીચાં જતાં રહેતા ખેતી સિંચાઈ તેમજ પીવાનાં પાણીની સમસ્યાઓ ઉભી થઈ હતી. જિલ્લા સ્તરીય સરકારી તંત્ર અધિકારીઓને વારંવાર રજૂઆતો કરી આંદોલન પણ કર્યા હતા. પરંતુ રેત માફિયાઓની ઉપર સુધી પહોંચ હોવાનાં કારણે ખેડૂતોની રજૂઆતોને સરકારી તંત્રનાં અધિકારીઓ દ્વારા પણ સાંભળવામાં આવી ન હતી. ખનીજ માફિયાઓએ ઓરસંગ નદીનાં પુલની પૂર્વ અને પશ્ચિમ દિશામાં મર્યાદા વિરુદ્ધ રેત ખનન કરતાં ચોમાસાની શરૂઆત થતાં ઓરસંગ નદીમાં એકથી બે વખત પૂર આવતા ઓરસંગ નદીના પુલના 21 પૈકી 9 જેટલા પીલ્લરોનાં પાયાનું પુરાણ ધોવાણ થઈ જવાથી 9 પીલ્લરનાં પાયા ખુલ્લા થઈ જવા પામ્યા છે.

જેથી ગુજરાત સરકાર દ્વારા કરોડોનાં ખર્ચે બનાવેલા ઓરસંગ નદીનાં પુલના પીલ્લરો ખુલ્લા થઈ જવાથી ભવિષ્યમાં આ પુલની પરિસ્થિતિ કથળી જવાની શક્યતાઓ વધી રહી છે. જેથી કરીને આ ઓરસંગ નદીનાં પુલના પીલ્લરો ધોવાણ થઇ ગયું છે એની ચિંતા કરી સરકારી તંત્ર દ્વારા પૂર્વ તૈયારી કરી વહેલીની વહેલી તકે ખુલ્લા થઈ ગયેલા પીલ્લરોનું સમારકામ કરાવે તેવી સ્થાનિક લોકોનાં મુખે એક ચર્ચાનો વિષય બન્યો છે. સમારકામ નહીં કરાવે તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ ઓરસંગ નદીના પુલ પરથી પાવીજેતપુરથી રંગલી ચોકડી, ચલામલી વિસ્તારનાં નાના મોટાં ગામડાંઓના લોકો આ પુલ પરથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર તથા પેસેન્જર વાહનો તેમજ ભારદારી વાહનો આ પુલ પરથી પસાર થતા હોય છે. તો શું ? આ પુલ પરથી પસાર થતી જનતાની ચિંતા કરી ખુલ્લા થઇ ગયેલા ઓરસંગ નદીના પુલનાં પીલ્લરોના પાયાની તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરાવશે કે નહીં ? તે આવનાર સમયની જનતાને રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે !

અન્ય સમાચારો પણ છે...