પેઢી બદલવાનો રૂડો અવસર:મલાજામાં સાત્વિક રીતે કરૂડીયા ઇન્દ સાથે દેવોની પેઢી બદલાઇ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલાજા ગામનાં આંગણે આવ્યો પેઢી બદલવાનો રૂડો અવસર

છોટાઉદેપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં હાલ ફુલ ગુલાબી ઠંડી વચ્ચે ભારે ધામધૂમ અને આસ્થાપૂર્વક ઇન્દ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છોટા ઉદેપુર પાસે આવેલા મલાજા ગામમાં સાત્વિક રીતે કરૂડીયા ઇન્દ સાથે દેવોની પેઢી બદલાઇ હતી.

મલાજા ગામનાં 350 કુટુંબો દીઠ સરખે હિસ્સે 1 હજારની હિસ્સેદારી સાથે તા. 4 જાન્યુઆરીએ ઇન્દ માંડવામાં આવ્યાં હતા. જેમાં આખા ગામે પારંપરિક પહેરવેશમાં આખી રાત વાદ્ય સંગીત સાથે નાચગાન કર્યું હતું. બાદ તા. 5 જાન્યુઆરીએ વિસર્જન કરી 10 દિવસ સુધી ગામના લોકોએ માત્ર બાફેલું જમીને જમીન પર સૂઈ વ્રત પાળ્યું હતું.

તા. 5 જાન્યુઆરીથી વ્રત તોડ્યું હતું. મલાજા ગામમાં 50 વર્ષ પહેલાં દેવોની પેઢી બદલવામાં આવી હતી. ત્યારે ગામ લોકો ભેગાં મળીને બડવાને બોલાવી દાણા જોવડાવી કુટુંબ દીઠ રૂપિયા 1 હજારનો ફંડ ફાળો એકઠો કરી, ગામને ચોખ્ખું કરવાની પરંપરા મુજબ કાહટી કાઢવામાં આવી હતી.

એ બાદ કઠીવાડાથી દેવનાં ઘોડાને વાજતે ગાજતે લાવી, સાગનાં લાકડામાંથી નવા દેવનાં ખૂટડા ઘડીને જૂના દેવ પ્રતીકો બદલી દૂર કરી નવા સ્થાપિત કરાયા હતાં. ગામનાં પ્રત્યેક દેવોને નવા ઘોડાં નવા ઠાબા સાથે ચઢાવાયાં છે. મલાજામાં 50 વર્ષ બાદ 4 જાન્યુઆરીએ કરુડીયા ઇન્દની ઉજવણી સાથે બાબા ઇન્દને માંડવામાં આવ્યો હતો.

આખી રાત નાચગાન કરી ઇન્દનાં ઉત્સવને ઉજવ્યો હતો. 5મી જાન્યુઆરીએ દેવોની દાળો વળાવી હતી. ત્યારે, ગામનાં પ્રમુખ નાગરિક સરપંચ જયંતીભાઇ રાઠવાએ ઇન્દમાં આવવા નોતરું નાખ્યું હતું. જે આમંત્રણને માન આપી આજુ બાજુના 20 જેટલાં ગામના લોકો ઢોલ માંદલ સાથે આવતાં મેળો ભરાયો હતો.

રાઠવા સમુદાય પોતાના પ્રાચીન રીત રિવાજો અને પરંપરાનું સંરક્ષણ કરવામાં સદા અગ્રેસર રહ્યા છે
છોટાઉદેપુર જિલ્લો 85 ટકા જેટલા આદિવાસીઓની વસ્તી ધરાવે છે. અને આ 85 ટકામાં પણ 75 ટકા જેટલાં રાઠવા સમુદાય પોતાના પ્રાચીન રીત રિવાજો અને પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન કરવાં, લાખો કે હજારોનો ખર્ચે થાય તો પણ, પોતાની કલા સંસ્કૃતિ અને સભ્યતા વિકસાવવા સદા અગ્રેસર રહ્યાં છે. ઇન્દ પાંનગા જેવા ઉત્સવોમાં મરઘાં બકરાની અપાતી બલિને બંધ કરી હવે શ્રીફળ વધેરી મહુડાનાં અર્કને તરાંપતાં હતાં તેની જગ્યાએ ઠંડાં પીણાંની ધાર પાડીને પણ ઇન્દ ઉજવણી સાથે દેવીની પેઢી બદલવાની પરંપરાને તેમણે જાળવી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...