યોગી નસવાડીમાં ખીલ્યા:ગુજરાતીમાં હાલચાલ પૂછ્યા; યોગીએ કહ્યું- કોંગ્રેસ હોત તો કોરોના કાળમાં રાશનના પૈસા પણ ખાઈ ગઈ હોત

છોટા ઉદેપુર15 દિવસ પહેલા

વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છોટા ઉદેપુરના નસવાડીમાં આવ્યા હતા. જ્યાં તેઓએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદી સરકારની સિદ્ધિઓ ગણાવીને ભાજપને મત આપવાની અપીલ કરી હતી. યોગી આદિત્યનાથે મંચ ઉપર આવીને જનતાને ગુજરાતીમાં કેમ છો? મજામાં કહીને શરૂઆત કરી હતી. યોગી આદિત્યનાથે નરેન્દ્ર મોદી સરકારના અભિનંદન કરતા જણાવ્યું કે, એક આદિવાસી, વનવાસી પરિવારની મહિલાને દેશના સર્વોચ્ચ સંવિધાનિક પદ રાષ્ટ્રપતિના પદ પર બેસાડ્યા છે. ભારતના વનવાસી, ગીરવાસીનું સન્માન વધાર્યું છે.

છોટા ઉદેપુરના નસવાડીમાં યોગીનું સંબોધન
તેઓએ પોતાના ભાષણમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદીની દ્રઢ ઈચ્છાશક્તિ અને વિઝનના કારણે 500 વર્ષનો ઇન્તજાર પુરો થયો છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થયું. ગુજરાતની આ એ ધરતી છે કે 1947માં બધા રાજ્યોને એકીકરણ કરવા અહીંની માટીના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની દ્રઢ ઈચ્છાશક્તિ અને દૂરદર્શિતાનો પરિચય કરાવ્યો હતો. વર્ષ 2019માં કાશ્મીરમાંથી આતંકવાદનો પર્યાય બનેલી 370ની કલમને હટાવવા માટે વડાપ્રધાનના માર્ગદર્શનમાં આ ધરતીના સપૂત ભારતના ગૃહમંત્રી અમીત શાહની ઈચ્છાશક્તિ સાથે 370ની કલમને સમાપ્ત કરી છે. આતંકવાદની તાબુત પર આ અંતિમ કિલ છે. આતંકવાદ અને નકસલવાદનો ખાત્મો હંમેશ માટે થઈ જશે.

અમે વિકાસ બધાનો કરાવીશું, તુષ્ટિકરણ કોઈનું નહિ કરીએ: CM યોગી
વધુમાં જણાવ્યું કે, દરેક ક્ષેત્રમાં ભારતનો વિકાસ થઈ રહ્યો છે. ખાસ કરીને ભેદભાવ વગર શાસનની યોજનાનો લાભ દરેક વ્યક્તિને મળે છે. ભારતનો કોઈપણ જાતિ, કોઈપણ મત, કોઈપણ મજહબ, કોઈપણ ક્ષેત્ર કોઈ પણ ભાષાનો હોય પરંતુ ભેદભાવ વગર દરેક યોજનાનો લાભ મળે છે. અમે વિકાસ બધાનો કરાવીશું પરંતુ તુષ્ટિકરણ કોઈનું નહિ કરીએ.

જો કોંગ્રેસની સરકાર હોત, રાશનના-વેક્સિનના પૈસા ખાઈ ગઈ હોત: CM યોગી
વધુમાં યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, આ સદીની સૌથી મોટી મહામારી કોરોના હતી, જેમાં ફ્રી માં તપાસ, ફ્રી માં ઉપચાર, ફ્રી માં વેક્સિન, દરેક ગરીબ પરિવાર, દરેક વનવાસી પરિવારને અને અનુસૂચિત જાતિના પરિવારને દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. જો કોંગ્રેસની સરકાર હોત તો રાશનના અને વેક્સિનના પૈસા પણ ખાઈ ગઈ હોત. કોઈ પણ ગરીબને કાઈ ન મળત.

શું કોંગ્રેસ કાશ્મીરમાંથી 370 કલમ હટાવત?: CM યોગી
હું અહીંયા તમને અપીલ કરવા આવ્યો છું, શું કોંગ્રેસ કાશ્મીરમાંથી 370 કલમ હટાવત? શું અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરત? શું સરદાર સાહેબની સૌથી મોટી પ્રતિમા કોંગ્રેસ બનાવી શકત? કોંગ્રેસે તો સરદાર પટેલ સાહેબને પણ સન્માન આપ્યું નથી અને ડો. ભીમરાવ આંબેડકરને પણ સન્માન આપ્યું નથી. દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જીનની સરકાર જ્યારે ચાલશે ત્યારે બુલેટ ટ્રેનના રૂપમાં વિકાસના કાર્યો થશે.

ગુજરાત વિકાસના પથ પર આગળ વધી રહ્યું: CM યોગી
ભાજપની સરકાર આવતા પહેલા ગુજરાતમાં દંગા થતા હતા, કરફ્યુ લાગતો હતો, ગુંડાગિરિ ચરમ પર હતી, અરાજકતા ફેલાવવાનું કાર્ય થતું હતું, લુંટ કસોટ હતી પરંતું છેલ્લા 20 વર્ષોમાં ગુજરાતમાં કોઈ કરફ્યુ નથી અને દંગા નથી. ગુજરાત વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે. સુરક્ષાનું એક ગૌરવ આપી રહ્યું છે. આ નવું ભારત અને નવું ગુજરાત છે. એટલે જ દરેક ગુજરાતી કહી રહ્યો છે કે, જય જય ગરવી ગુજરાત. તો આપ બધા ભાજપને ભવ્ય જીત આપશો? હાથ ઊંચા કરીને સમર્થન આપો કહીને ભાષણ સમાપ્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...