ઔદ્યોગિક વિકાસના અભાવે એકજ વિકલ્પ:છોટાઉદેપુરમાં પેટનો ખાડો પુરવા ચૂંટણી ટાણે જ લોકોની હિજરત : મતદાન ઘટવાની સંભાવના

છોટાઉદેપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઔદ્યોગિક વિકાસના અભાવે એકજ વિકલ્પ : વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા

છોટાઉદેપુર પંથકમાં ખેતી અને ડોલોમાઈટ અને રેતીનો કારોબાર એક માત્ર રોજગાર અર્થેનું માધ્યમ છે. જેમાં કોરોના કાળ બાદ ભયંકર મંદી આવી જતાં આદિવાસી પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજ મજૂરી કરી પોતાનું પેટિયું રળતા તદ્દન ગરીબ આદિવાસીની હાલત આજે પણ સારી નથી. ભારે મંદીના પગલે મજૂરી અર્થે આદિવાસીને પર પ્રાંત તથા મોટા શહેરોમાં જવું પડે છે અને પોતાના મા-બાપ તથા ઘર પરિવારના સભ્યોથી અલગ રહેવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુરના એસટી ડેપોમાં બસની રાહ જોઈ બેસતા આદિવાસીઓ આવતા જતા જિલ્લામાં જો મજૂરી મળે અને નજીકમાં રોજગારી મળે તેવી આશા વ્યક્ત કરતો હોય છે. પરંતુ વિકાસની વાતો વચ્ચે. કોઈ વિકલ્પ ન દેખાતા મજૂરી કરવા ઉપર આજે પણ મજબૂર બન્યો છે.

છોટાઉદેપુર જિલ્લો બન્યા 8 વર્ષ વિતી ગયા પરંતુ હજુ સુધી જીઆઈડીસી પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી નથી. જેના કારણે હાલ સ્થાનિક કક્ષાએ રોજગારીનો ખૂબ અભાવ છે. પરંતુ વિકાસની વાતો વચ્ચે રોજગારીનું સાધન ન મળવાથી પર પ્રાંતમાં તથા પર રાજ્યમાં અને સૌરાષ્ટ્ર તરફ મજૂરી કરવા જવા ઉપર આદિવાસીઓ મજબૂર બન્યા છે. જેના કારણે હવે ગ્રામીણ વિસ્તારો પણ ખાલી જોવા મળી રહ્યા છે. પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે થયેલો વિકાસ ગણાવવામાં આવી રહ્યો છે. પરંતુ કયો વિકાસ છે. એ પ્રજામાં પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. હાલ કારમી મોંઘવારીને કારણે પોતાનું પેટિયું રળવા તથા ગુજરાન ચલાવવા મહિનાઓ સુધી બીજા પ્રદેશમાં મજૂરી કરવી પડી રહી છે. ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલી મોરબીની ઘણી ફેકટરીઓ બંધ થઈ જતા અને મંદીનો માહોલ સર્જાતા ઘણાએ ડોલોમાઈટ ફેક્ટરીઓ વેચવાનો પણ વારો આવ્યો છે. જ્યારે મિલ માલિકોની હાલત કડોડી હોય તો મજૂરોની હાલત કેવી હશે એ વિચારવાની વાત છે.

છોટાઉદેપુર પંથકમાં ઘણા ગ્રામીણ વિસ્તારો ચોમાસુ ખેતી ઉપર નિર્ભર હોય પાણીનો અભાવ હોય નળો બેસાડ્યા હોય પરંતુ પાણી આવતું ન હોય જ્યારે ઘણા નળો પણ તૂટી ગયા હોય હેન્ડપંપ બગડેલી હાલતમાં હોય અને પિયત અર્થે પાણીનો અભાવ હોય જેના કારણે ચોમાસામાં થતી ખેતી ઉપર નિર્ધાર રાખવો પડે છે. પછી કમાવવા અર્થે અન્ય રોજગારીનું માધ્યમ શોધવું પડે છે. પરંતુ સ્થાનિક કક્ષાએ રોજગારીનો અભાવ હોય માત્ર જૂજ એકમો હોય તે પણ મંદીમાં ચાલતા હોય જેના કારણે પોતાના ઘર પરિવારનું ભરણ પોષણ કરવા આદિવાસી અન્ય પ્રદેશ તથા મોટા શહેરોમાં મજૂરી કરવા જવા ઉપર મજબૂર બન્યો છે. હવે જિલ્લામાં રોજગારી આવશે કે કેમ એ અંગે આદિવાસી પ્રજા રાહ જોઈને બેઠી છે.

અન્ય સમાચારો પણ છે...