છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી સંખેડાના કપાસ પકવતા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે વટાવ મુદ્દે મડાગાંઠ ચાલી રહી છે. વેપારીઓ પોતાની મનમાની કરીને ખેડૂતોને રોકડીયા પાક કપાસનું વટાવ કાપીને ચુકવણું કરી રહ્યા છે. જેની સામે સંખેડા તાલુકાના ખેડૂતો મેદાનમાં આવી ગયા છે. આ વટાવખોર વેપારીઓની શાન ઠેકાણે લાવવા આંદોલન કરવાના મૂડમાં આવીને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સાથે સાથે લાઈટ પણ દિવસે મળે તેવી માંગણી કરી રહ્યાં છે.
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કપાસ પકવતા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે કેટલાક મુદ્દે મડાગાંઠ સર્જાઈ હતી. જેને લઇને અઠવાડિયા પહેલા ઉપવાસ આંદોલન કર્યું હતું. પરંતુ એપીએમસીના ચેરમેન દ્વારા વેપારીઓ સાથે મિટિંગ કરીને સાંજે જ ઉકેલ લાવી દીધી હતો. પરંતુ વેપારીઓએ બીજા દિવસે સમાધાનની ફોર્મ્યુલા બાજુ પર મૂકીને ફરીથી વટાવ કાપવાનું શરૂ કરી દેતા ખેડૂતોએ ગામડે ગામડે ફરીને ખેડૂતોને જાગૃત કર્યા હતા અને શનિવારે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ઉપરાંત ખેડૂતોને વીજળી પણ ચૂંટણી પૂરતી દિવસે આપીને ફરીથી આજથી રાત્રે આપવાની શરૂ કરી દીધી છે. જેનો પણ ખેડૂતો વિરોધ કરીને દિવસે વીજળી આપવાની માંગ કરી રહ્યાં છે.
ખેડૂતો આ વખતે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં ન હોઈ રણનીતિના ભાગરૂપે આજે ખૂબ મોટી સંખ્યામાં સંખેડાથી છોટા ઉદેપુર આવ્યા હતા. છોટા ઉદેપુર નગરમાં 'હમસે જો ટકરાયેગા મિટ્ટી મેં મિલ જાયેગા', 'જય જવાન જય કિસાન', 'ખેડૂત એકતા ઝિંદાબાદ' ના નારા લગાવીને સમગ્ર છોટા ઉદેપુરના ગજવી દઈને સેવા સદન પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ખેડૂતોની વ્યથા રજૂ કરીને ઉકેલ લાવવાની માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.