પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો:છોટા ઉદેપુરમાં પૈસાની લેતીદેતીમાં પતિ-પત્નીએ વૃદ્ધને ગડદાપાટુનો માર માર્યો; ગુપ્ત ભાગે લાતો મારતાં સારવાર દરમિયાન મોત

છોટા ઉદેપુર18 દિવસ પહેલા

છોટા ઉદેપુર જીલ્લાના સંખેડાના કસ્બા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા પાંચ વર્ષ પહેલાની પૈસાની લેતીદેતીમાં ઝગડો થતા વૃદ્ધને પતિપત્નીએ ભેગા થઈ ગડદાપાટુનો માર માર્યો હતો. આરોપી મહિલાએ વૃદ્ધને ગુપ્ત ભાગે લાત મારતાં ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. સંખેડા પોલીસે માર મારનાર પતિ અને પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાછાપરી લાતો મારતાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયો
સંખેડાના કસ્બા વિસ્તારમાં રહેતા જમાલભાઈ ઠાકોરે પાંચ વર્ષ અગાઉ સફિ સિંધીને રૂ. 55 હજાર ઉછીના આપ્યા હતા. જેની ઉઘરાણી જમાલભાઈએ કરતા સફી સિંધી સાથે બોલાચાલી બાદ ઝગડો થયો હતો. ત્યારબાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઉઘરાણી કરવા આવેલા જમાલભાઇ ઠાકોરને સફિ સિંધી અને તેમની પત્ની રેહાના સિંધીએ ગડદા પાટુનો માર માર્યો હતો. આ મારામારી દરમિયાન રેહાનાએ જમાલભાઇને ગુપ્ત ભાગે ઉપરાછાપરી લાતો મારતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.

હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
ઘાયલ થયેલા જમાલભાઈને સારવાર અર્થે સંખેડા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી તેઓને વડોદરા હોસ્પિટલ રીફર કરવામાં આવ્યાં હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતુ. વૃદ્ધ જમલભાઈ ઠાકોરનું મોત થતાં સંખેડા પોલીસે આરોપી સફી મહંમદ સિંધી અને રેહાના સફી સિંધી સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...