કેસુડાના રંગ વગરની ધુળેટી અધૂરી હોય છે, આ કેસુડાના ફૂલ ખાખરાના વૃક્ષ પર જોવા મળે છે. છોટા ઉદેપુર જીલ્લાના જંગલોમાં તેમજ રસ્તાની બાજુ પર મોટી માત્રામાં ખાખરના વૃક્ષ જોવા મળે છે. અને હાલ વસંત ઋતુ શરૂ થતાં જ કેસુડાના ફૂલ જંગલની શોભા વધારી રહ્યા છે.
હોળી ધુળેટી આવે એટલે કેસુડાના રંગથી ખેલૈયાઓ રંગોત્સવ બનાવતા હોય છે. ત્યારે આદિવાસી સમાજના પૂર્વજોએ એક વનસ્પતિના ઔષધી ઉપયોગને જાણીને તેને સમાજ સાથે વણી લીધા હતા. જેથી સમાજમાં દરેકનું આરોગ્ય સારુ રહે. કેસુડાના રંગબેરંગી ફૂલો વગરની ધુળેટી અધૂરી ગણવામાં આવે છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી હોય છે અને અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી લોકો કેસુડા ઉપર જ નિર્ભર રહેતા હોય છે. આ અંતરિયાળ વિસ્તારના લોકો કૃત્રિમ રંગોનો ઉપયોગ કરતા નથી. વૈભવી મંદિરો અને વ્રજભૂમિમાં રંગોત્સવ કેસુડાના ફૂલોનાં રંગથી જ મનાવવામાં આવે છે.
કેસુડાના ફૂલનો રંગ બનાવી તેનાથી હોળી ખેલાય છે
કેસુડાના રંગ બનાવવા માટે કેસુડાના ફૂલને ભેગા કરીને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે અને આ પાણીને પ્રવાહી રંગ તરીકે વાપરવામાં આવે છે. આ પ્રવાહી રંગ ખૂબ જ પાક્કો હોય છે જેનો રંગ જોડા પર લાગી જાય તો કપડાં પરથી આજીવન રંગ જતો નથી.
વસંત ઋતુમાં જ જંગલમાં કેસરી કેસુડાના રંગોથી જંગલની શોભા વઘી જાય છે
પાનખર ઋતુમા સમગ્ર વૃક્ષો ઉપરના પાન ખરી જતા હોય છે. ત્યારે ખાખરાના વૃક્ષ ઉપર કેસુડો સોળે શણગાર સજીને ખીલી ઉઠે છે. અંતરિયાળ વિસ્તારોમાં ખાખરાના વૃક્ષો જોવા મળતા હોય છે અને શિયાળા બાદ પાનખર ઋતુ આવતી હોય છે. ત્યારે જ ખાખરાના વૃક્ષ ઉપર ફૂલ આવે છે અને આ ફૂલ એટલે કેસુડો. કેસુડો કેસરી ફૂલોથી સુશોભિત થતો હોય છે અને સમગ્ર વનનાં માથે કેસરિયો મુગટ બની રહેતો હોય છે.
વસંત ઋતુમાં જ ખીલતા કેસૂડાંના ફૂલ ઔષધી માટે ખૂબ ઉપયોગી
ગ્રામ્ય વિસ્તારમાં લોકો ધુળેટી કેસુડાના ફૂલોથી જ રમતા અને કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં વન વિસ્તારોની શોભા વધારે છે. પરંતુ આયુર્વેદિક રીતે પણ કેસુડાના ફૂલ ખૂબ જ ગુણકારી હોય છે. કેસુડાના ફૂલ ચામડીના રોગો માટે ખૂબ જ ઉત્તમ કારક ગણવામાં આવે છે. જો નાના બાળકોને કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે તો આ બાળકોની સ્કીન પણ ખૂબ જ સારી રહે છે. તેમજ તેની તંદુરસ્તી પણ ખૂબ જ સારી રહેતી હોય છે અને તેની રોગપ્રતિકારક શક્ત્તિ પણ વધતી હોય છે.
સમગ્ર ઉનાળામાં કેસુડાના ફૂલની શીતળ છાયા
પાનખરની અંદર વૃક્ષો ઉપરથી ફૂલો અને પાંદડાં ખરી પડતા હોય છે. પરંતુ કેસુડાના વૃક્ષ ઉપર ફૂલ ખીલતા હોય છે. ઉનાળો શરૂ થતા જ કેસુડાના ફૂલને સુકવીને તેનો પાવડર બનાવવામાં આવે અને તે પાવડર સ્નાન કરતી વખતે અથવા તો મોઢું ધોતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચા પણ સારી રહેતી હોય છે તેમજ કોઈપણ પ્રકારનો ચામડીનો રોગ ઉદ્દભવતો નથી.
કેસુડાથી કેટલાય રોગો નાશ પામે છે
પોતાની ત્વચા માટે ઉપયોગમાં લેવામાં આવે, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કેસુડો ખૂબ જ ફળદાયી સાબિત થયો છે. કેસુડાના ફૂલનો ભૂકો કરી તેને સાકર સાથે મિલાવીને નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો જળ મૂળમાંથી ડાયાબિટીસનો રોગ નાશ થતો જાય છે, આંખોના રોગો માટે પણ કેસુડાના મૂળના અર્કનું એક ટીપું નાખવાથી આંખોની બીમારી પણ દૂર થતી હોય છે, થાઈરોડના રોગમાં પણ કેસુડાની જાળી અથવા તો મૂડીને ઘસીને થાઈરોડવાળી જગ્યાએ લેપ લગાવવાથી ફાયદો થાય છે.
પાચન શક્તિમાં પણ સુધારો
કેસુડાના મૂળના તાજા તોડીને તેનો રસ કાઢીને નાગરવેલના પાન સાથે ખાવાથી પાચન શક્તિમાં પણ ફાયદો થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.